• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

ગોલ્ડન ગર્લ્સ : ક્રિકેટમાં ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ

શ્રીલંકાનો 147 રનથી પરાજય : મંધાના, શેફાલી, ઋચા ઘોષના આક્રમક બાટિંગથી ભારતે 216 રનનો જંગી સ્કોર ખડક્યો’તો 

નવી દિલ્હી, તા.22 : એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતની ગોલ્ડ મેડલની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. સ્પર્ધાના પ્રથમ બે દિવસમાં ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આજે મહિલા ક્રિકેટ ટીમે દેશને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવીને ગોલ્ડ મેડલનું ખાતું ખોલાવ્યું છે.

  એશિયન ગેમ્સના હાઇ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 147 રનના વિશાળ અને એકતરફી અંતરથી કારમો પરાજય આપ્યો હતો. આ ઐતિહાસિક જીત સાથે ભારતીય ટીમે એશિયાડમાં પોતાનો ગોલ્ડ મેડલ બરકરાર રાખ્યો છે. અગાઉ હાંગઝોઉ ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં પણ ભારતે ક્રિકેટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ભારતે પ્રથમ બાટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટનાં નુકસાને 216 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. ઓપાનિંગ બેટર સ્મૃતિ મંધાનાની આકર્ષક અડધી સદી તેમજ ઋચા ઘોષ અને શેફાલી વર્માની આક્રમક રમતથી ભારતે મેચ પર મજબૂત પકડ જમાવી હતી. મંધાના અને શેફાલીએ ટીમને મજબૂત પાયો પૂરો પાડયો હતો અને પ્રથમ વિકેટ માટે 99 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. મંધાનાએ આક્રમક 30 દડામાં જ પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, શેફાલી તેની અડધી સદીથી સહેજ માટે ચૂકી ગઈ હતી અને 48 રનના અંગત સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌરના રૂપમાં ભારતને બીજો ફટકો પડયો હતો, જે 19 રન બનાવીને આઉટ થઈ હતી.

એક છેડેથી વિકેટો પડવા છતાં મંધાનાએ ઇનિંગ્સ જારી રાખી હતી અને 45 દડાનો સામનો કરી 5 ચોગ્ગા તેમજ 7 છગ્ગાની મદદથી 79 રનની ઇનિંગ્સ રમીને આઉટ થઈ હતી. અંતિમ ઓવરોમાં ઋચા ઘોષે સ્કોરને 200 રનની પાર પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઋચા અને ભારતી ફૂલમાલી વચ્ચે ચોથી વિકેટ માટે 53 રનની ભાગીદારી નોંધાઈ હતી.

ભારતના સ્કોરનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ ભારતીય બોલરોના ઘાતક આક્રમણ સામે પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ભારતીય બોલરોએ સતત અંતરે વિકેટો ઝડપીને શ્રીલંકાની ઇનિંગ્સને સ્થિર થવાની કે મેચમાં વાપસી કરવાની કોઈ જ તક આપી ન હતી. પરિણામે, સમગ્ર શ્રીલંકન ટીમ 15.4 ઓવરમાં માત્ર 69 રનના નજીવા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 147 રનથી મેચ અને ગોલ્ડ મેડલ બન્ને પર કબજો જમાવી લીધો હતો.

 

સુવર્ણ જીતનો જશ્ન : રાષ્ટ્રપતિ-પીએમએ પાઠવ્યા અભિનંદન

મહિલા ટીમની સુવર્ણ જીતથી ખુશીનો માહોલ છવાયો હતો. આ જીત બદલ દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અને આ ભવ્ય જીત પર ખુશી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ભારતીય ટીમની આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતા લખ્યું હતું કે, ભારતીય ક્રિકેટની શાનદાર જીત! એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ આપણી મહિલા ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન અદ્ભુત રહ્યું છે, જેમાં ખેલાડીઓનો અડગ આત્મવિશ્વાસ, ઉત્કૃષ્ટ કૌશલ્ય અને બહેતરીન ટીમ વર્ક સ્પષ્ટપણે જોવા મળ્યા.

 

મેન્સ કબડ્ડીમાં ભારતની બીજી જીત, સાઉથ કોરિયાને 63-31થી હરાવ્યું

નવી દિલ્હી, તા.22 : કબડ્ડીમાં ભારતીય મેન્સ કબડ્ડી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત છે. તોકાઇ સિટીઝન્સ જિમ્નેશિયમ ખાતે રમાયેલા ગ્રુપ-એ ના પોતાના બીજા મુકાબલામાં ભારતે સાઉથ કોરિયાને 63-31ના અંતરથી પરાજય આપ્યો હતો. અગાઉ પોતાના પ્રથમ મુકાબલામાં યજમાન જાપાનને ધૂળ ચટાડી હતી. આજે આગેવાનીમાં મેદાન પર ઉતરેલી ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ સાઉથ કોરિયા પર પોતાનો સકંજો કસી લીધો હતો આ વિરાટ જીત સાથે જ ભારતીય ટીમે ગ્રુપ-એના પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કરી લીધું છે. આગામી મુકાબલો હવે બુધવાર, 23 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ-એમાં બાંગ્લાદેશ સામે થશે. બાંગ્લાદેશની ટીમ ભારતની સરખામણીમાં ઘણી નબળી માનવામાં આવે છે, જેથી ભારતીય ટીમ આ મેચને પણ પોતાના નામે કરી શકે છે.

 

હોકી ટીમ મેડલ તરફ વધુ એક ડગલું આગળ વધી

નવી દિલ્હી, તા.22 : ભારતીય પુરુષ હોકી ટીમે પોતાનું વર્ચસ્વ સાબિત કરતા શ્રીલંકા સામે 16-1થી જીત નોંધાવી હતી. ભારતીય ખેલાડીઓ સામે શ્રીલંકન ટીમ સમગ્ર મેચ દરમિયાન નિ:સહાય જોવા મળી હતી. જુગરાજ સિંહે શાનદાર હેટ્રિક ગોલ કર્યા હતા. તેમના સિવાય સુખજીત સિંહ, અભિષેક અને હરમનપ્રીત સિંહે પણ ગોલ નોંધાવીને શ્રીલંકાના ડિફેન્સને વેરવિખેર કરી નાખ્યું હતું. ભારતીય ફોરવર્ડ લાઈને મેચની શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું હતું અને બેસ્ટ ફિનાશિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અગાઉ ભારતે પ્રથમ મુકાબલામાં ઇન્ડોનેશિયાને 13-1થી પરાજય આપ્યો હતો.

 

કરાટેમાં નિરાશા, ચેતન ભટ્ટ બ્રોન્ઝ મેડલથી ચૂક્યો

  નવી દિલ્હી, તા.22 : એશિયન ગેમ્સના કરાટે અખાડામાં ભારતને નિરાશા હાથ લાગી છે. મંગળવારે પુરુષોની 84 કિગ્રા કુમિતે કેટેગરીના બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ભારતના ચેતન ભટ્ટને ચાઇનીઝ તાઇપેઇના મેંગ યુ ચુંગ સામે પરાજયનો સામનો કરવો પડયો છે. અત્યંત રસાકસીભર્યો આ મુકાબલો 1-1થી બરાબરી પર રહ્યા બાદ ‘સેનશૂ’ના આધારે ચુંગને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

 

સાક્ષી ચૌધરીનો ઉલટફેર, ઓલિમ્પિક મેડાલિસ્ટને ચખાડી ધૂળ

 નવી દિલ્હી, તા.22 : ભારતીય મહિલા બોક્સર સાક્ષી ચૌધરીએ મંગળવારે એશિયન ગેમ્સની 51 કિગ્રા વજન કેટેગરીમાં પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ ફિલિપાઇન્સની ઐરા વિલેગાસને 5-0 થી હરાવીને ઇતિહાસ રચ્યો છે. આ ઉલટફેર સાથે સાક્ષીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દબદબાભેર એન્ટ્રી કરી છે. તેણે મેચમાં પોતાની ઊંચાઈ અને લાંબી રીચનો ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. તેણે આક્રમક રમત દાખવીને શરૂઆતથી જ વિલેગાસને પોતાનાથી દૂર રાખી હતી અને તેના પર હાવી થવા દીધી ન હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026