• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

રાજકોટમાં ભારત U-19 ટીમે ઓસિ.ને 103 રનથી હરાવ્યું

યશવર્ધન ચૌહાણની શાનદાર સદીથી 341 રન થયા, આર્યવીર સેહવાગ અડધી સદી ચૂક્યો

નવી દિલ્હી, તા.21 : રાજકોટમાં રમાયેલી બીજી યુથ વનડે મેચમાં ભારતની અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમને 103 રનથી હરાવી હતી. પ્રથમ બાટિંગ કરતા ભારતીય યુવા બ્રિગેડે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 341 રનનો તાતિંગ સ્કોર નોંધાવ્યો હતો. જેની સામે કાંગારુ ટીમ 41.1 ઓવરમાં માત્ર 238 રન બનાવી સમેટાઈ ગઈ હતી.

ભારત તરફથી યશવર્ધન ચૌહાણે સદી ફટકારીને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે માત્ર 100 બોલમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 122 રનની મેચ વાનિંગ ઇનિંગ રમી હતી. વી.કે. વિનીતે 92 બોલમાં 87 રનનું યોગદાન આપ્યું હતું. દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર સેહવાગ 48 બોલમાં 47 રન બનાવીને રનઆઉટ થતાં પોતાની અડધી સદીથી સહેજ માટે ચૂકી ગયો હતો.

342 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત નબળી રહી હતી. જેક કોઝનેકે 63 બોલમાં લડાયક 81 રન બનાવ્યા હતા, જ્યારે મેથ્યુ લોફે 42 અને બ્લેક કેટલે 44 રનની ઇનિંગ રમી હતી. આ ત્રણ બેટ્સમેનો સિવાય અન્ય કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડી ભારતીય બોલરો સામે પીચ પર લાંબો સમય ટકી શક્યો ન હતો. ભારતીય બાલિંગમાં ચિગુરુપતિ વેંકટા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પોતાની 8 ઓવરના સ્પેલમાં 64 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. ઉપરાંત યશવર્ધન ચૌહાણ અને કાવ્ય પટેલે 2-2 વિકેટો લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક