• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ, ખેડૂતના ચહેરા પર ખુશી

-ઉનામાં 3, વાંસજાહળિયામાં 2.5, ડોળાસામાં 2, ગારિયાધાર 1.5 તથા ધારી- મહુવા- કેશોદ-માળિયા હાટીના 1 ઈંચ વરસાદ

 

રાજકોટ, તા.22 સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધારીમાં માત્ર 25 મિનિટમાં એક ઈંચ, વાંસજાળિયામાં બે કલાકમાં અઢી ઈંચ અને ડોળાસામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં, નદી-નાળાઓમાં નવા નીર આવ્યા અને ખેતરોમાં પાણી વહેવા લાગ્યાં હતાં. લાંબા સમય બાદ પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી, જ્યારે ગોંડલમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં બે વીજપોલને નુકસાન થયું હતું.

ધારી શહેરમાં આજે માત્ર 25 મિનિટમાં ધોધમાર 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ આજુબાજુના કુબડા, ગાવિંદપુર, દલખાણીયા, ચાચાઈ પાણીયા સહિતના ગીર વિસ્તારના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

માળિયા હાટીના બપોરે સાડા ત્રણથી ચાર વાગ્યા દરમિયાન કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. અડધી કલાકમાં 15 મીમી એટલે કે અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તાલુકાના લાઠોદરા અને વડિયા ગિર વિસ્તારમાં પણ વરસાદના અહેવાલો મળ્યા છે. મગફળી અને સોયાબીનના પાક માટે વરસાદ કાચા સોના સમાન સાબિત થશે તેવી ખેડૂતોમાં આશા વ્યક્ત થઈ હતી.

વાંસજાળિયા બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન ભારે ગાજવીજ સાથે અઢી ઈંચ જેટલો વરસાદ પડÎ હતો. ધોધમાર વરસાદના કારણે ગામની બજારમાં પાણી વહેવા લાગ્યા હતા, જ્યારે સીમ વિસ્તારમાં ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. વર્ષે વાંસજાળિયા અને આસપાસના વિસ્તારોમાં પ્રમાણમાં ઓછો વરસાદ થયો છે અને મીણસાર નદીમાં હજુ સુધી પૂર આવ્યું નથી.

ગારિયાધાર શહેર અને પંથકમાં બપોર બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ભારે પવન સાથે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. શહેરમાં અંદાજે દોઢ કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડÎ હતો. પરવડી, નાનીવાવડી, વિરડી, મોટા ચારોડિયા, પાંચટોબરા, સુરનિવાસ, રૂપાવટી, ડમરાળા, ભંડારિયા, નવાગામ અને પચેગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે તળાવો અને ચેકડેમોમાં પાણીની આવક થઈ હતી તથા ખેતરોમાં પાણી વહેતા થયા હતા. સરકારી ચોપડે આશરે 30 મીમી વરસાદ નોંધાયો હતો અને સીઝનનો કુલ વરસાદ 580 મીમી એટલે કે 23 ઈંચ થયો હતો.

ગોંડલ સાંજના સમયે ભારે પવન સાથે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદ વરસ્યો હતો. દરમિયાન જૂની કોર્ટ બિલ્ડિંગમાં રહેલું સુકાયેલું તાતિંગ વૃક્ષ ધરાશાયી થઈ વીજપોલ પર પડÎું હતું. વૃક્ષ રોડ પર પડતાં તાર સહિત બે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને આઇકોનિક રોડ તરફનો માર્ગ થોડા સમય માટે બંધ થયો હતો. જાણ થતાં નગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો, જ્યારે પીજીવીસીએલના કર્મચારીઓએ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી.

ઉના પંથકમાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અડધી કલાકમાં આશરે એક ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા.

તાલાલા ભારે ઉકળાટ બાદ બપોર પછી ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. તાલાલા શહેર ઉપરાંત ધાવા છગર, માધુપુર ગિર, લુશાળા છગર, હડમતિયા ગિર, વીરપુર ગિર, બોરવાવ ગિર અને જસાધાર સહિત આશરે 20 ગામમાં અડધાથી બે ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે નદી-નાળાઓમાં ફરી પાણીની આવક થઈ હતી. મેઘમહેરથી ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદ છવાયો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે દિવસ દરમિયાન ભારે ગરમી અને બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોહિલવાડ પંથકના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડÎાં હતાં. સાંજે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ ગારિયાધારમાં 30 મીમી, મહુવામાં 21 મીમી, તળાજામાં 7 મીમી અને ઉમરાળામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગિરનાર અને કેશોદમાં એક-એક ઈંચ, માળિયામાં પોણો ઈંચ જ્યારે જૂનાગઢ શહેરમાં જોરદાર વરસાદી ઝાપટું પડÎું હતું. છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં સારો વરસાદ થતાં ખેતરોમાં ઊભા પાકને નવજીવન મળ્યું છે. જોકે, નદી-નાળામાં પૂર જેવી સ્થિતિ સર્જાતા કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા યથાવત હોવાનું સામે આવ્યું છે.

ડોળાસા આજે બપોરે 3થી 4 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં 47 મીમી એટલે કે આશરે બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સાથે મોસમનો કુલ વરસાદ 903 મીમી એટલે કે 36 ઈંચ થયો છે. ડોળાસા નજીક ચીખલી ગામે આવેલો પાંચ પીપળવા ડેમ પણ ઓવરફ્લો થયો હતો. વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

બોટાદ શહેરમાં આજે સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર વરસાદી ઝાપટું પડÎું હતું. વરસાદ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય વરસાદના ઝાપટામાં શહેરમાં પાણી ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠÎ છે.

જામકંડોરણા સાંજના સમયે વરસાદી માહોલ છવાયો હતો અને 14 મીમી વરસાદ પડયો હતો.

રાજુલા છેલ્લા બે દિવસના વિરામ બાદ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડÎ હતો. રાજુલા પંથકમાં અંદાજે પોણો ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. રાજુલાના ડુંગર, માંડળ, કુંભારીયા,દેવકા, જૂની માંડરડી, ધારેશ્વર અને વાવેરા સહિતના તમામ ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. રાજુલા શહેરની મુખ્ય બજારોમાં પણ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

અમરેલી જિલ્લામાં ત્રણેક દિવસના વિરામ બાદ આજે ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભાદરવા માસમાં રાજુલા પંથકથી શરૂ થયેલી મેઘમહેર ધીમે ધીમે લાઠી, સાવરકુંડલા અને લીલીયા પંથક સુધી પહોંચી હતી. અનેક ગામોમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ અને શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે ખેતરો પણ જળબંબાકાર બન્યા હતા. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાઠી પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી. લાઠીના છેવાડાના વિસ્તારોમાં આવેલા ઘામેલ, મેમદા, કાચરડી, નવાગામ અને આંબરડી સહિતના ગામોમાં ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જોરદાર બાટિંગ કરી હતી. લીલિયાના ભોરીંગડા, ક્રાંકચ અને એકલારા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.   

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

44 વર્ષનાં તળીયે પહોંચ્યો અમેરિકાનો ઓઈલ ભંડાર September 23, Wed, 2026