- અમદાવાદમાં બેન્ક ખાતામાં 9 લાખ જમા કરાવી 30થી 50 હજાર કમિશનની લાલચ; તપાસમાં મની લોન્ડારિંગના મોટા નેટવર્કની આશંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.22ઃ અમદાવાદમાં ચલણમાંથી પરત ખેંચાયેલી 2,000ની નોટોને કાયદેસર નાણાંમાં ફેરવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આશ્રમ રોડ સ્થિત કાર્યાલયના પૂર્વ કર્મચારી સહિત ચાર શખસને ઝડપી પાડÎા છે. આરોપીઓ લોકોના બેન્ક ખાતામાં 9 લાખ જમા કરાવી તેના બદલામાં 30 હજારથી
50 હજાર સુધીનું કમિશન આપવાની લાલચ આપી કથિત રીતે કાળા નાણાંને સફેદ કરવાનો વ્યવસાય ચલાવતા હોવાનો પોલીસનો આરોપ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજુ નામનો આરબીઆઇનો પૂર્વ કર્મચારી, પ્રફુલ્લ દંતાણી, વૈશાલી દંતાણી અને ઇરફાન ઉર્ફે ચીના છેલ્લા કેટલાક સમયથી આ કથિત સિન્ડિકેટ ચલાવતા હતા. ઇરફાન દ્વારા લોકોને તેમના બેન્ક ખાતામાં 9 લાખ જમા કરાવવાના બદલામાં કમિશનની ઓફર કરવામાં આવતી હતી. કોઈ વ્યક્તિ તૈયાર થાય ત્યારબાદ તેની પાસેથી પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ સહિતના બેન્કિંગ દસ્તાવેજો મેળવી લેવામાં આવતા હતા. ત્યારબાદ ઇરફાનની જાણથી પ્રફુલ અને વૈશાલી દંતાણી 2,000ની ચલણમાંથી પરત ખેંચાયેલી નોટોના 9 લાખ લઈને આરબીઆઇની આશ્રમ રોડ કચેરીએ પહોંચતા હતા અને સંબંધિત બેન્ક દસ્તાવેજોના આધારે રકમ જમા કરાવવાની પ્રક્રિયા કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરબીઆઇનો પૂર્વ કર્મચારી રાજુ અન્ય કર્મચારીઓ સાથે કથિત સાંઠગાંઠ કરીને આ રકમ કોઈ દસ્તાવેજી અડચણ વિના જમા થાય તે માટે મદદ કરતો હતો. જોકે, આ અંગે આરબીઆઇના અન્ય કર્મચારીઓની ભૂમિકા સહિતના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ સિન્ડિકેટ દ્વારા રોકડ જમા કરવાની વ્યવસ્થામાં રહેલી ખામીઓનો કથિત રીતે દુરુપયોગ કરીને પ્રતિબંધિત 2,000ની નોટો બદલવામાં આવતી હતી. પોલીસે હવે બેન્કમાં થયેલી એન્ટ્રીઓ, સંબંધિત ખાતાધારકો અને આ વ્યવસ્થાથી લાભ મેળવનાર લોકોની વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કથિત કૌભાંડ માત્ર ચાર આરોપીઓ પૂરતું મર્યાદિત છે કે તેની પાછળ વધુ મોટું નેટવર્ક કાર્યરત છે, તેમજ કેટલા કરોડ રૂપિયાની રકમની હેરફેર થઈ છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.