અનૌપચારિક ટેસ્ટમાં ભારત-એને શ્રીલંકા-એ ઉપર 175 રનની સરસાઈ
ગાલે,
તા. 4 : શ્રીલંકા-એ અને ઇન્ડિયા-એ વચ્ચે ગાલેમાં અનૌપચારિક ટેસ્ટ મેચ ચાલી રહ્યો છે.
જેના ત્રીજા દિવસના અંત સુધીમાં ભારતની એ ટીમે 8 વિકેટના નુકસાને 541 રન કરી લીધા હતા.
આ સાથે જ શ્રીલંકા ઉપર 175 રનની સરસાઈ મળી ચૂકી છે. ઇનિંગમાં સાઈ સુદર્શન 168 રને આઉટ
થયો હતો જ્યારે દેવદત્ત પડીક્કલ નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યો હતો. દિવસના અંતે સારાંશ
જૈન 68 રને અને યશ ઠાકુર 2 રને નોટઆઉટ પરત ફર્યા હતા.
મેચમાં
સાઈ સુદર્શને ફરી એક વખત પોતાની બેટિંગની કળા બતાવતા 267 બોલમા 23 ચોગ્ગાની મદદથી
168 રન કર્યા હતા જ્યારે દેવદત્ત પડીક્કલ સદી ચૂક્યો હતો. પડીક્કલ 152 બોલમાં 94 રન
કરી શક્યો હતો. આ ઉપરાંત ધ્રુવ જુરેલે 56, શૈખ રશીદે 45, સારાંશ જૈને 68 અને અકીબ નબી
દારે 30 રનની ઇનિંગ રમી હતી. દિવસના અંતે સારાંશ જૈન 137 બોલમાં 68 રન કરીને અણનમ પરત
ફર્યો હતો જ્યારે બીજા છેડે યશ ઠાકુર બે રને નોટઆઉટ રહ્યો હતો. શ્રીલંકા એ તરફથી કેશરા
નુવંથાએ 4 વિકેટ લીધી હતી જ્યારે દીલમ સુદીરાને ત્રણ વિકેટ મળી હતી. મેચમાં સાઈ સુદર્શન
અને દેવદત્ત પડીક્કલ વચ્ચે 304 બોલમાં 182 રનની મોટી ભાગીદારી થઈ હતી. જેની મદદથી શ્રીલંકા
ઉપર ઇન્ડિયા-એએ 175 રનની સરસાઈ મેળવી હતી. આ અગાઉ શ્રીલંકન ટીમ પહેલી ઇનિંગમાં 366
રનમાં ઓલઆઉટ થઈ હતી.