રાષ્ટ્રપતિના અભિભાષણથી થશે શરૂઆત : નીટ પેપર લીક, રામ મંદિર દાન ચોરી સહિતના મુદ્દે વિપક્ષી હંગામાની સંભાવના
નવી દિલ્હી, તા. 4 : સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થવાનું છે અને તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી મંજૂરી મળી ચૂકી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાણકારી આપતા કહ્યું હતું કે, ભારત સરકારની ભલામણ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી સંસદના બન્ને સદનની બેઠક બોલાવવાની મંજૂરી આપી છે. બન્ને સદનના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા શરૂઆતમાં અભિભાષણ કરવામાં આવશે. બાદમાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચા કરાવવામાં આવશે. અંદાજિત ત્રણ સપ્તાહનાં ચોમાસું સત્રમાં સરકાર ઘણા મહત્ત્વના ખરડા પસાર કરાવવાની કોશિશ કરશે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કે ભારત સરકારની અનુશંસા ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ચોમાસું સત્ર 2026માં સંસદના બન્ને સદનની બેઠક બોલાવવાની મંજૂરી આપી છે. આ સત્ર 20 જુલાઈથી શરૂ થઈને 13 ઓગસ્ટ સુધી ચાલશે. રિજિજૂએ કહ્યું હતું કે સત્ર દરમિયાન રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દે સાર્થક ચર્ચા અને નિર્ણય કરવામાં આવશે.
ચોમાસું સત્ર દરમિયાન નીટ પેપર લીક, શિક્ષા મંત્રીના રાજીનામાની માગ, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી મુદ્દે વિપક્ષ દ્વારા હંગામો થવાની સંભાવના છે. આ ઉપરાંત ટીએમસીનો મુદ્દો પણ ચર્ચામાં છે. જેથી સ્પીકર ઓમ બિરલાના નિર્ણય ઉપર નજર રહેશે. કોંગ્રેસ અંદામાનની ગ્રેટ નિકોબાર યોજના ઉપર પણ આક્રમક છે. તેવામાં હંગામા અને નારેબાજીનાં કારણે સત્ર પ્રભાવિત થઈ શકે છે.
આ પહેલા સંસદનું બજેટ સત્ર 18 એપ્રિલના રોજ સમાપ્ત થયું હતું. 28 જાન્યુઆરીના રોજ શરૂ થયેલાં સંસદના બજેટ સત્રમાં ઘણા મહત્ત્વના ખરડા પસાર કરવામાં આવ્યા હતા. લોકસભા સ્પીકર ઓમ બિરલા અનુસાર સત્ર દરમિયાન 31 બેઠકો થઈ હતી. લગભગ 151 કલાક અને 42 મિનિટ કાર્યવાહી ચાલી હતી.