• રવિવાર, 05 જુલાઈ, 2026

સાણંદ બનશે ભારતની ‘િસલીકોન વેલી’ : મોદી

વડાપ્રધાનના હસ્તે સાણંદમાં  રૂ. 7,600 કરોડના રોકાણ સાથેના સીજી સેમિકોનના ઓસેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું : ગુજરાતને મળ્યો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ

 

આગામી દિવસોમાં એઆઈ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે યુવાનો માટે સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરાશે : પીએમ

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.4: ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે જેમાં સાણંદ ખાતે સેમિકન્ડક્ટરની હેટ્રિક સર્જાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં રૂ. 7,600 કરોડના રોકાણ સાથેના સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું   ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ ગુજરાતમાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ પીએમના હસ્તે થયો હતો.

ભારત, જાપાન અને થાઈલેન્ડની કંપનીઓના સંયુક્ત સાહસના પીએમ મોદીએ વખાણ કર્યા હતા. સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ મહત્વનું પગલું પુરવાર થશે. આ સાથે જ સાણંદ, ધોલેરા સહિતના ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના આગમનથી આગામી સમયમાં આ વિસ્તાર ભારતની સિલિકોન વેલી બનશે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.

 દેશમાં સેમિકન્ડક્ટર ક્રાંતિમાં ગુજરાતની ભૂમિકા આગામી સમયમાં મહત્વપૂર્ણ બની રહેશે. ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટરના નક્શામાં ઝળહળશે તેવી આશા પણ વડાપ્રધાને વ્યક્ત કરી હતી. ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ માન્યતા પ્રાપ્ત 12 એકમો પૈકી આ ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયો છે. આ સાથે જ ચિપ પેકાજિંગનું વ્યાવસાયિક ઉત્પાદન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું અને વિવિધ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રક્રિયાઓ વિશે માહિતી મેળવી. આ ઉપરાંત પ્લાન્ટમાં એન્જિનિયરો સાથે પણ તેમણે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. 

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભારત જે નક્કી કરે છે તે કરી બતાવે છે. ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. અમે ‘િડઝાઇન ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના પાયાના મંત્ર સાથે સફળતાપૂર્વક આગળ વધ્યા છીએ. ગુજરાતના સાણંદ ખાતે સેમિકન્ડક્ટર એકમોમાં ઉત્પાદન શરૂ થતા સ્થાનિક સ્તરે મજબૂત ઇકોસિસ્ટમ રચાશે. માઇક્રોન, કેઇન્સ અને સીજી સેમી જેવી અગ્રણી કંપનીઓએ માત્ર થોડા મહિનામાં આ પ્રદેશમાં એકસાથે ઉત્પાદન શરૂ કર્યું છે.

આગામી સમયમાં વિશિષ્ટ કેમિકલ ઉત્પાદકો, ટેસ્ટિંગ લેબ્સ, ડિઝાઇન સેન્ટર્સ અને ગતિશીલ નવા સ્ટાર્ટઅપ્સના આગમનથી સ્થાનિક ઉદ્યોગો વ્યાપક આર્થિક અને રોજગારીની તકોમાં અનેકગણો વધારો થશે.  ખાસ કરીને આગામી દિવસોમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ  (એઆઈ) અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે યુવાનો માટે સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરાશે.

કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અનેક મહાનુભાવો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પ્રોજેક્ટની વિશેષતાઓ અને આંકડાકીય વિગતો

4કુલ રોકાણ:રૂ.7,600 કરોડ (કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024માં મંજૂરી).

4ઉત્પાદન ક્ષમતા: બંને પ્લાન્ટ્સ મળીને પૂર્ણ ક્ષમતા પર પહોંચ્યા બાદ વાર્ષિક 5 અબજ અને દૈનિક 1.5 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે.

4વ્યૂહાત્મક ભાગીદારી:  આ પ્રોજેક્ટમાં સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી સીજી સેમી, જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઈલેક્ટ્રોનિક્સ વચ્ચે સંયુક્ત ભાગીદારી છે.

4રોજગારી સર્જન: પ્લાન્ટમાં હાલમાં 300 થી વધુ કર્મચારીઓ કાર્યરત છે, જ્યારે આગામી 5 વર્ષમાં 5,000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે.

4ચિપ્સના પ્રકારો અને ઉપયોગ: પ્લાન્ટમાં QFN અને QFP જેવી લિગેસી ચિપ્સ તેમજ અત્યાધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ થશે, જે ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ડસ્ટ્રીયલ સાધનો, 5G કમ્યુનિકેશન અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

 

વાર્ષિક 20 કરોડ ચિપનું ઉત્પાદનનું લક્ષ્ય : પીએમ

નવનિર્મિત ફેસિલિટીને આંતરરાષ્ટ્રીય સહયોગના પ્રતીક તરીકે ગણાવતા વડાપ્રધાને સ્થાનિક, જાપાનીઝ અને થાઈ ઉદ્યોગ ભાગીદારોના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી હતી. પીએમએ વડાપ્રધાને આ પ્રોજેક્ટને ‘િમનિ ઇન્ડિયા’ ગણાવતા જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ દ્વારા દર વર્ષે 20 કરોડ ચિપનું ઉત્પાદન થશે અને ભવિષ્યમાં 500 કરોડ ચિપ ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

 

આ દાયકો ભારત માટે ‘સેમિકન્ડક્ટર’ અને

ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર્સનો ‘ટેકબેડ’: મુખ્યમંત્રી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.4 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે  વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિઝનના કારણે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારતનો પ્રભાવ વૈશ્વિક સ્તરે વધ્યો છે અને આ દાયકો સાચા અર્થમાં ભારતનો સાબિત થઈ રહ્યો છે. કેન્દ્રીય ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશ માટે એક ગર્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત થનારી હાઈટેક ચિપ્સનો ઉપયોગ માત્ર દેશના કાર, સ્કૂટર અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં જ નહીં થાય, પરંતુ આ ફેસિલિટીમાં બનેલી ચિપ્સ અમેરિકા, જાપાન અને યુરોપ જેવા વિકસિત દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા July 05, Sun, 2026