જૂનાગઢ, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર અને રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા, વીજ પુરવઠો, ખેતી અને જનજીવનને વ્યાપક અસર
રાજકોટ,
તા.4 : સૌરાષ્ટ્રમાં ચોમાસાના પ્રથમ જ ધોધમાર વરસાદે અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી
છે. જૂનાગઢ, પોરબંદર, ગિર સોમનાથ, ભાવનગર અને રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ
પાણીમાં ગરકાવ થયા, પુલોને નુકસાન પહોંચ્યું, ખેતરોમાં ધોવાણ થયું અને હજારો લોકો મુશ્કેલીમાં
મુકાયા છે. પ્રથમ જ વરસાદે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કુદરતનો રૌદ્ર સ્વરૂપ દેખાડતાં
માર્ગ વ્યવસ્થા, વીજ પુરવઠો, ખેતી અને જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. હવે વરસાદનો
વધુ એક રાઉન્ડ આવે તે પહેલાં નુકસાનગ્રસ્ત માર્ગો, પુલો અને ડ્રેનેજ વ્યવસ્થાનું તાત્કાલિક
સમારકામ કરવાની માગ ઉઠી છે.
માંગરોળમાં
છેલ્લા ત્રણ દિવસમાં 40 ઈંચથી વધુ વરસાદ વરસતા હુસેનાબાદ નજીક નોળી નદી પરનો હાઈવે
પુલ ધોવાઈ ગયો હતો. પુલની રાલિંગો તૂટી ગઈ અને રોડનું ડામર ધોવાઈ જતાં સોમનાથ-દ્વારકા
હાઈવે પર વાહનવ્યવહાર કલાકો સુધી બંધ રહ્યો હતો. વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીએ
યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. નદીકાંઠાના
અનેક ગામોમાં ખેતીની જમીનનું ભારે ધોવાણ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 68 વીજપોલ
અને પાંચ ટ્રાન્સફોર્મર ધરાશાયી થતાં અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. હાઈવે બંધ
થતાં દ્વારકાથી પરત ફરી રહેલી 14 બસના આશરે 900 યાત્રિક રસ્તામાં ફસાઈ ગયા હતા. વહીવટી
તંત્ર દ્વારા તેમને મકતુપુર સાયકલોન સેન્ટરમાં આશ્રય, ભોજન અને તબીબી સારવારની વ્યવસ્થા
કરવામાં આવી હતી.
માળીયા
હાટીના તાલુકામાં 25થી 30 ઈંચ વરસાદ બાદ ભાખરવડ ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયો હતો.
નીચાણવાળા ગામોના લોકોને નદીથી દૂર રહેવા એલર્ટ જાહેર કરાયું છે. ભાખરવડ-માતર વાણિયા
વચ્ચેના પુલનું ધોવાણ થતાં અવરજવર પ્રભાવિત બની છે. કુકસવાડા વિસ્તારમાં હાઈવે બંધ
થતાં ફસાયેલા મુસાફરોને સ્થાનિક યુવાનો અને સેવાભાવી સંસ્થાઓએ ભોજન અને રહેવાની વ્યવસ્થા
કરી હતી.
માણાવદર
તાલુકામાં સરાડિયા-લીંબુડા વચ્ચેના પુલમાં ગાબડું પડતાં અકસ્માતનો ભય ઉભો થયો છે, જ્યારે
બુરી ગામે પૂર વચ્ચે ફસાયેલા ઓએનજીસીના કર્મચારીઓનું હોમગાર્ડની ટીમે સફળ રેસ્ક્યૂ
કર્યું હતું.
ધોરાજી
શહેરમાં ભારે વરસાદ બાદ જમનાવડ રોડ હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી
ભરાઈ જતાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ઘરવખરી, અનાજ અને કરિયાણાને નુકસાન પહોંચતાં
સ્થાનિકોએ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સફુરા નદીમાં
ત્રણ ભેંસ તણાતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો હતો.
માધવપુર
ઘેડમાં 15 ઈંચ વરસાદ બાદ મધુવંતી નદીમાં ઘોડાપૂર આવતાં ખેતરો, રસ્તાઓ અને નીચાણવાળા
વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હજુ પણ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં ખેડૂતોમાં
ચિંતા જોવા મળી રહી છે.
ભાવનગર
શહેરમાં સતત વરસાદ વચ્ચે કુંભારવાડા વિસ્તારમાં એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં
બે વર્ષના માસૂમ બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર બ્રિગેડે તાત્કાલિક બચાવ
કામગીરી હાથ ધરી તમામને હોસ્પિટલમાં ખસેડયા હતા.
માંગરોળમાં
છેલ્લા ત્રણ દિવસમાં 40 ઈંચથી વધુ વરસાદ: નુકસાનગ્રસ્ત માર્ગો, પુલો અને ડ્રેનેજ વ્યવસ્થાનું
તાત્કાલિક સમારકામ કરવાની માગ
રાજ્યમાં
આજથી 5 દિવસ
અતિભારે
વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.4 : ગુજરાતમાં હાલ હવામાનની સ્થિતિ અત્યંત ગંભીર બની છે કારણ કે એક સાથે પાંચ મોટી
વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ, લો પ્રેશર એરિયા અને સીઝનલ
સિસ્ટમના સંયોજનથી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યવ્યાપી ચેતવણી જાહેર કરી છે.
ખાસ
કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડનો ગંભીર ખતરો
તોળાઈ રહ્યો છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જેવા
વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા સહિતના વિસ્તારોમાં ઓરેન્જ અને યલો
એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે.
ગુજરાતના
તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટ અને
3.5 મીટર સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. આ કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી
દરિયો ન ખેડવા કડક આદેશ આપવામાં આવ્યા છે. હાલ દરિયામાં ગયેલા માછીમારોને તાત્કાલિક
કિનારે પરત ફરવા સૂચના અપાઈ છે.
રાજ્યના
અનેક વિસ્તારોમાં નદી-નાળા ઉભરાવવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા
છે. વહીવટી તંત્રએ રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખી છે અને લોકોને બિનજરૂરી
મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે એવી
શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
પૂરગ્રસ્ત
માંગરોળ, માળિયા, કેશોદ પંથકમાં મેઘરાજાએ વિરામ લેતા હાશકારો
અમરેલીમાં
મેઘ મહેર : રાજુલામાં સાડા ચાર, ખાંભામાં ત્રણ ઇંચ વરસાદ
સોરઠ
પંથકમાં વિસાવદરમાં દોઢ, મેંદરડામાં એક ઈંચ, અન્યત્ર ઝાપટાં : ધોરાજી, તળાજામાં સતત
ત્રીજા દિવસે ધોધમાર
અમરેલી,
જૂનાગઢ, તા.4 : એક દિવસના વિરામ બાદ અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી
કરી હતી. જિલ્લાના રાજુલા, ખાંભા, સાવરકુંડલા, લાઠી, લીલિયા સહિતના તાલુકાઓમાં ધોધમાર
વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા.
રાજુલા
શહેરમાં સાડા ચાર ઇંચ વરસાદ તેમજ છતડિયા, હિંડોરણા, કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં
ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.
સાવરકુંડલા
તાલુકાના ઠવી, વીરડી નાલ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. લાઠી શહેરમાં
સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસતા અનેક રહેણાંક વિસ્તારોમાં રસ્તાઓ નદી સમાન બની ગયા
હતા.
ખાંભા
ગિર તાલુકાના મોટા બારમણ, નાના બારમણ, ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ અને રાયડી સહિતના ગામોમાં
ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને
ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.
રાજુલા-જાફરાબાદ
કોસ્ટલ બેલ્ટમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. રાજુલાના મોરંગી ગામ અને જાફરાબાદના જીકાદરી
ગામની સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સાવરકુંડલાના
પીપરડી અને વિજપડી ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળતા
કેટલાક સ્થળોએ વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી.
આંકડા મુજબ રાજુલામાં અંદાજે 4.5 ઇંચ, ખાંભામાં
3 ઇંચ, જ્યારે લાઠી અને લીલીયામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
અમરેલી
ફ્લડ કંટ્રોલ રૂમ ખાતે રાત્રે આઠ વાગ્યા સુધીમાં લાઠીમાં 21 મી.મી., લીલીયા 22 મી.મી.,
અમરેલી 5 મી.મી., ધારી 4 મી.મી., સાવરકુંડલા 13 મી.મી., ખાંભા 79 મી.મી., જાફરાબાદ 41 મી.મી., અને રાજુલા 111 મી.મી., વરસાદ નોંધાયો છે.
સોરઠ
પંથકમાં આજે ચોથા દિવસે પૂરગ્રસ્ત માંગરોળ, માળિયા, કેશોદ પંથકમાં મેઘરાજાએ વિરામ લેતા
લોકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે વિસાવદરમાં દોઢ, મેંદરડામાં એક ઇંચ અને અન્યત્ર
હળવાથી ભારે ઝાપટા પડયા હતા. આ ઉપરાંત ધોરાજી અને તળાજા પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર
વરસાદ વરસતા ધરતી પુત્રો આનંદમાં આવી ગયા હતા.
જૂનાગઢ
: જૂનાગઢ જિલ્લાના માંગરોળ, માળિયા, કેશોદ પંથકને મેઘરાજાએ ત્રણ દિવસ ધમરોળતા જળબંબાકાર
સર્જાયો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું. લોકો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના
કરવા લાગ્યા હતા. ત્યારે આજે આ વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જિલ્લામાં વરસાદી
વાતાવરણ વચ્ચે વિસાવદરમાં દોઢ, મેંદરડામાં એક, ગિરનારમાં અડધો ઈંચ અને જૂનાગઢ શહેરમાં
હળવા થી ભારે ઝાપટા નોંધાયા હતા. મેઘરાજાએ ચોથા દિવસે ખમૈયા કરતા જનજીવન પુન: ધબકવા
લાગ્યું હતું.
ધોરાજી
: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજરોજ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન
પ્રભાવિત બન્યું હતું.
સવારથી
ધીમીધારે શરૂ થયેલા વરસાદે બાદમાં મુશળધાર સ્વરૂપ ધારણ કરતાં શહેરના અનેક માર્ગો ઉપર
વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.મોસમના પ્રથમ નોંધપાત્ર
વરસાદે ધોરાજીના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા પંચનાથ મહાદેવ મંદિરને જાણે પ્રકૃતિ
દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
ઉપલેટા
: ઉપલેટા વિસ્તારમાં આજે ત્રીજા દિવસે વરસાદના વિરામ બાદ સમગ્ર શહેર અને તાલુકામાં
ખેડૂતોએ વાવણી કાર્ય શરૂ કર્યું છે ખારચિયા પાસેનો વેણુ 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે તેમજ
સમગ્ર વિસ્તારના ચેક ડેમો પણ ઓવરફ્લો થયા છે.
તળાજા
: ભાવનગર જિલ્લામા સૌથી વહેલું અને વધુ વાવેતર
તળાજા પંથકમાં થયું હતું. શેત્રુંજી કેનાલ ઉપરાંત ખેડૂતોએ ભગવાન પર ભરોસો મુક્યો હતો.
એ ભરોસો કુદરતે પણ જાળવી રાખ્યો હોય તેમ છેલ્લા ત્રણેક દિવસથી કાચું સોનું વરસી રહ્યું
છે. તળાજા શહેર અને તાલુકામા આજે સતત ત્રીજા દિવસે મેઘકૃપા થઈ છે. તાલુકાના બોરડા ગામની
ભૌગોલિક સ્થિતિ ને લઈ આજે એકાદ ઈંચ આસપાસ વરસેલા વરસાદ મા પણ રસ્તા નદી સમાન જોવા મળ્યા
હતા.
સુરત
પંથકમાં સાર્વત્રિક વરસાદ
સુરત
: સુરત પંથકમા સાર્વત્રિક વરસાદ થયો છે. આજે સવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી ડાંગ
જિલ્લાના વઘઈમાં 15 મીમી, સાપુતારામાં 15 મીમી અને આહવામાં 23 મીમી અને સુરત જિલ્લાના
ઓલપાડમાં 72 મીમી, માંગરોળમાં 04 મીમી, મહુવામાં 03 મીમી, ઉમરપાડામાં 22 મીમી, ચોર્યાસીમાં
14 મીમી, પલસાણા 27 મીમી, બારડોલીમાં 21 મીમી, અરેઠમાં 12 મીમી અને સુરત સિટીમાં
07 મીમી વરસાદ નોંધાયો છે.
નવસારી
જિલ્લાના વાંસદામાં 05 મીમી, ચીખલીમાં 92 મીમી, ગણદેવીમાં 93 મીમી, ખેરગામમાં 20 મીમી,
જલાલપોરમાં 77 મીમી, અને નવસારી સિટીમાં 50 મીમી, તથા તાપી જિલ્લાના સોનગઢમાં 50 મીમી,
ડોલવણમાં 02 મીમી, નીઝરમાં 01મીમી, કુકરમુંડામાં 01 મીમી અને ઉકાઈ 15 મીમી વરસાદ નોંધાયો
છે. વલસાડ જિલ્લાના વલસાડ સિટીમાં 07 મીમી, કપરાડા 21 મીમી, નાનાપોંડા 10 મીમી, પારડી
04 મીમી, વાપીમાં 11, ઉમરગામમાં 07મીમી, બોપી 08 અને ધરમપુરમાં 03 મીમી વરસાદ નોંધાયો
છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની હાલની સપાટી 308 અને રૂલ લેવલ 333 ફૂટ
છે.