• શનિવાર, 04 જુલાઈ, 2026

ઓખાના સુદર્શન બ્રીજના ભંગારની હેરાફેરીમાં કરોડોની જીએસટી ચોરી ઓનલાઈન પોર્ટલ પરથી ખોટા વજન અને વિગતોવાળું બોગસ

ઇ-વે બિલ જનરેટ કરાયુ: કૌભાંડમાં 7 શખસ સામે ગુનો નોંધાયો

ખંભાળિયા, તા.3: દ્વારકાના ઓખામા નવનિર્મિત સુદર્શન સેતુ (બ્રીજ) બનાવતા સમયે દરિયામાં તૈયાર કરવામાં આવેલા સ્ટેન્ડના લોખંડના ભંગારની આડમાં જી.એસ.ટી. ચોરીનું એક પૂર્વયોજિત કૌભાંડ ઓખા મરીન પોલીસ અને એલ.સી.બી.ની સતર્કતાથી ઝડપાઈ ગયું છે. આ મામલે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં 7 શખસ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે, ઓખા સુદર્શન બ્રીજ સાઈટ પરથી લોખંડનો કિંમતી ભંગાર ભરીને વડોદરા તરફ જઈ રહેલી બે આઈસર ટ્રકમાં મોટાપાયે ગેરરીતિ થઈ રહી છે. આરોપીઓએ આર્થિક ફાયદો મેળવવાના બદઈરાદાથી એક સરખા દેખાતા બે આઈસર ટ્રકનો ઉપયોગ કર્યો હતો. જેમાં લોખંડનો ભંગાર ભરેલી ટ્રકના વજનને છુપાવવા માટે, બીજી રેતી-િસમેન્ટ ભરેલી ટ્રકની નંબર પ્લેટ પર કાળી સેલોટેપ લગાવી, બોગસ નંબર પ્લેટ તૈયાર કરવામાં આવી હતી. આ બોગસ નંબર પ્લેટવાળી ટ્રકનો ઓખાના વેબ્રીજ પર વજન કરાવી તેના આધારે ઓનલાઈન પોર્ટલ પરથી ખોટા વજન અને વિગતોવાળું બોગસ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યું હતું.

આ કૌભાંડમાં વડોદરાની કંપનીના ભાગીદારો અને ઓખા ખાતે કામ કરતા મુંબઈના કોન્ટ્રાક્ટર હિલેરી પોલ એન્ટોની કેસ્ટેલીએ સાથે મળીને કાવતરૂં રચ્યું હતું. આરોપીઓએ ઇ-વે બિલમાં બબલુ ખાન નામના વ્યક્તિને માલ સપ્લાયર તરીકે દર્શાવ્યો હતો જ્યારે હકીકતમાં ઓખા ખાતે આ નામની કોઈ પેઢી જ અસ્તિત્વમાં નથી. આ રીતે સરકારી ચોપડે ઓછું વજન દર્શાવી અને ખોટા દસ્તાવેજોના આધારે સરકારને ચૂકવવાપાત્ર જીએસટીની ચોરી કરીને વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી રહી હતી. ગાડીઓ ચેક કરતા તેમાં ભરેલા માલનું કોઈ અસલી બિલ કે ઇન્વોઇસની હાર્ડ કોપી પણ મળી આવી નહતી. પોલીસે તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી બે આઈસર ટ્રક, પાયલાટિંગમાં વપરાતી બે કાર રોકડા રૂ.4,42,000, 11 મોબાઈલ તેમજ લાખો રૂપિયાનો લોખંડનો ભંગાર અને અન્ય સામગ્રી કબજે કરી કાર્યવાહી કરી છે. આ મામલે દ્વારકાના પી.એસ.આઈ. રાજાભાઈ લખમણભાઈ ચોપડાની ફરિયાદના આધારે આરોપીઓ મુકેશ બજરંગલાલ સુથાર, રવી કુંદનભાઈ મિશ્રા, નુરમિયા ઉર્ફે બબલુ સોકતઅલી પઠાણ, બબ્બનકુમાર શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણભાઈ રાજપુત, જયસુખ કાળાભાઈ વાઢેર અને કોન્ટ્રાક્ટર હિલેરી પોલ એન્ટોની કેસ્ટેલી સામે વિવિધ કલમો હેઠળ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક