• રવિવાર, 05 જુલાઈ, 2026

શ્વાનને કાનુડાનાં વાઘા પહેરાવવા અપરાધ નથી

પંજાબ-હરિયાણા હાઇ કોર્ટનો મહત્ત્વનો ફેંસલો : નિ:સંતાન મહિલા સામેની એફઆઇઆર રદ

નવીદિલ્હી, તા.4 : પોતાના પાલતુ શ્વાનને જન્માષ્ટમીના તહેવારમાં ભગવાન શ્રીકૃષ્ણની જેમ શ્રૃંગાર કરીને પછી તેની તસવીર વોટ્સએપનાં સ્ટેટસમાં મૂકવી કોઈ અપરાધ નથી. પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટ દ્વારા એક વિચિત્ર કેસમાં આ ટિપ્પણી અને સ્પષ્ટતા કરવામાં આવી હતી અને મહિલા સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરી નાખી હતી.

અદાલત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ હરકત કે કૃત્ય પ્રેમ અને ભક્તિની ભાવનાથી કરવામાં આવ્યું હતું. તેની પાછળ કોઈ ધર્મને અપમાનિત કરવાનો ઈરાદો નહોતો.

જસ્ટિસ સુભાષ મેહલાની પીઠ દ્વારા આપવામાં આવેલા આદેશમાં માનવામાં આવ્યું હતું કે, મહિલાની આ ચેષ્ટામાં કોઈ અપરાધિક મંછા નહોતી. અદાલત દ્વારા સુનાવણી દરમિયાન ધ્યાને લેવામાં આવ્યું હતું કે, વિવાહનાં છ વર્ષ બાદ પણ આરોપી મહિલા નિ:સંતાન છે અને તે પોતાનાં પાળેલા કૂતરાને બિલકુલ પોતાનાં સંતાનની જેમ જ પ્રેમ કરે છે. કોર્ટે કહ્યું હતું કે, કૂતરાને કાનુડાના વાઘા પહેરાવવા અને તેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવો કોઈ પવિત્ર બાબતનું અપમાન નથી. આ કોઈ દુર્ભાવનાથી નહીં બલ્કે પ્રગાઢ સ્નેહમાં કરવામાં આવેલી ચેષ્ટા હતી.

અદાલતે આગળ વધુ મહત્ત્વની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, વ્યક્તિગત અભિવ્યક્તિને ફક્ત એટલા માટે જ અપરાધના દાયરામાં ન લાવી શકાય કેમ કે તે અન્યોની સંવેદનશીલતાને અનુકૂળ નથી. કોઈપણ પ્રકારનાં અપરાધિક ઈરાદા વિના કાનૂની કાર્યવાહી શરૂ કરી શકાય નહીં. બંધારણીય સહિષ્ણુતાને અતિસંવેદનશીલતા ઉપર હાવી રાખવી જોઈએ જે નિર્દોષ કામોને પણ ધર્મનાં અપમાન તરીકે જોવા માંડે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા July 05, Sun, 2026