એક્સ્ટ્રા ટાઇમ સુધી પહોંચેલા મુકાબલામાં આર્જેન્ટિનાની 3-2થી જીત : કેપ વર્ડેએ બતાવ્યો નિર્ણાયક સંઘર્ષ
મિયામી,
તા. 4 : મિયામી સ્ટેડિયમમાં રમાયેલા ફીફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં ડિફેન્ડિંગ
ચેમ્પિયન આર્જેન્ટિનાએ કેપ વર્ડેને એક્સ્ટ્રા ટાઇમ સુધી ચાલેલા ખૂબ જ રોમાંચક મુકાબલામાં
3-2થી હરાવ્યું હતું. નિર્ધારિત 90 મિનિટમાં બન્ને ટીમ 1-1ની બરાબરીએ હતી. બાદમાં એક્સ્ટ્રા
ટાઇમમાં ગોલનો વરસાદ થયો હતો. અંતમાં ક્રિસ્ટિયન રોમેરોના જાદુઈ હેડરની મદદથી આર્જેન્ટિનાએ
પ્રિક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યાં હવે ઈજીપ્ત સામે મેચ રમાશે.
મેચની
29મી મિનિટે મિયામીનું પૂરું સ્ટેડિયમ મેસી-મેસીના નારાથી ગુંજી ઉઠયું હતું જ્યારે
મેસીએ ગોલ કર્યો હતો. જેનાં પરિણામે આર્જેન્ટિનાને 1-0થી શરૂઆતી બઢત મળી હતી. બીજી
બાજુ કેપ વર્ડેએ પણ હાર માની નહોતી અને સતત પ્રહાર કર્યા હતા. મેચની 59મી મીનિટે ડેરોએ
ડુઆર્ટેએ સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. નિર્ધારિત 90 મિનિટમાં બન્ને ટીમ વધુ ગોલ
કરી શકી નહોતી અને મેચ એક્સ્ટ્રા ટાઇમમાં ગયો હતો. 92મી મિનિટે આર્જેન્ટિનાએ ગોલ કરીને
સ્કોર 2-1થી આગળ કર્યો હતો. આ દરમિયાન કેપ વર્ડેએ વાપસી કરતા 103મી મીનિટે સ્કોર 2-2ની
બરાબરીએ કર્યો હતો.
મેચ
જ્યારે પેનલ્ટી શૂટઆઉટ તરફ આગળ વધતો લાગી રહ્યો હત ત્યારે 111મી મિનિટે આર્જેન્ટીનાના
અનુભવે બાજીપલટી હતી. આર્જેન્ટિનાને મળેલા કોર્નર ઉપર કેપ્ટન મેસીએ બોલને બોક્સ વચ્ચે
પાસ કર્યો હતો અને ત્યાં ક્રિસ્ટિયને હવામાં ઉછળીને બુલેટ હેડર માર્યું હતું અને ગોલ
થયો હતો. આર્જેન્ટિનાની 3-2ની નિર્ણાયક બઢત અંત સુધી રહી હતી અને મેચમાં જીત મળી હતી.
કોલંબિયાની
આગેકૂચ : ઘાના હાર્યું
કેનસસ,
તા. 4 : કોલંબિયાએ ફીફા વિશ્વકપ 2026માં અજેય રેકોર્ડને રાઉન્ડ ઓફ 32મા જાળવી રાખ્યો
હતો. ટીમે શાનદાર પ્રદર્શન કરતા કેનસસ સિટી સ્ટેડિયમમાં ઘાનાને 1-0થી હરાવીને અંતિમ-16ની
ટીકિટ મેળવી હતી. મેચની 14મી મિનિટે જોન એરિયાસે કોલંબિયા તરફથી પહેલો ગોલ કર્યો હતો.
બીજી તરફ ઘાનાએ અમુક હુમલા કર્યા હતા પણ ટીમ કોલંબિયાના ડિફેન્સને ભેદવામાં નાકામ રહી
હતી.
અમેરિકી
જમીન ઉપર ઈજીપ્તે પેલેસ્ટાઇનનો ઝંડો લહેરાવ્યો
ફીફા
વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ના એક ખૂબ જ રોમાંચક અને ઐતિહાસિક મુકાબલામાં ઈજીપ્તે ઓસ્ટ્રેલિયાને
પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. ઈજીપ્ત પહેલી વખત ફીફા વિશ્વકપના
પ્રીક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. ટેક્સાસના ડલાસ કાઉબોયઝ સ્ટેડિયમમાં
70,000 દર્શકો સામે રમાયેલો મુકાબલો 90 મિનિટ અને પછી 30 મિનિટના એક્સ્ટ્રા ટાઇમમાં
પણ 1-1ની બરાબરીએ રહ્યો હતો. બાદમાં પેનલ્ટી શૂટઆઉટમાં પરિણામ આવ્યું હતું અને ઈજીપ્તને
રાઉન્ડ ઓફ 16માં જગ્યા મળી હતી. મેચ પૂરો થયા બાદ કોચ હોસમ હસન ઈજીપ્ત અને પેલેસ્ટાઇન
બન્નેનો ઝંડો લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન ઘણા દર્શકોએ પેલેસ્ટાઇનનાં સમર્થનમાં નારા
પણ લગાડયા હતા.