• રવિવાર, 05 જુલાઈ, 2026

અમરેલી કલેક્ટર કચેરીને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકીને પગલે કચેરી ખાલી કરાવી ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરાઈ, અંતે કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી ન આવી

અમરેલી, તા.4: અમરેલી સ્થિત કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળતાં શુક્રવારે સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ હતી. સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક ખાલી કરાવી અરજદારો તેમજ તમામ અધિકારીઓ-કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ડોગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, તપાસના અંતે કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ના હોવાથી વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમરેલી ખાતે આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. કલેક્ટર કચેરીને મળેલા ધમકીભર્યા પત્રની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કલેક્ટર કચેરીમાં હાજર અરજદારો, મુલાકાતીઓ તેમજ ફરજ પરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર પરિસરને પોલીસ બંદોબસ્ત હેઠળ લઈ લેવામાં આવ્યો હતો.

સ્થાનિક પોલીસ સાથે ડોગ સ્ક્વોડની ટીમે ચાલુ વરસાદે જ કલેક્ટર કચેરીના દરેક વિભાગ, રૂમ, કોરિડોર તથા આસપાસના વિસ્તારની સઘન તપાસ હાથ ધરી હતી. લાંબા સમય સુધી ચાલેલી તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. તપાસ પૂર્ણ થયા બાદ કચેરીની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમરેલી કલેક્ટર કચેરીને આવી જ પ્રકારની બોમ્બની ધમકી મળી ચૂકી છે. ફરી એક વખત સમાન પ્રકારની ધમકી મળતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

આ સમગ્ર મામલે પોલીસ પત્ર કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું છે. તે અંગે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક