• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

અમેરિકાને 29 રને હરાવી ભારતની વિજયી કૂચ

T-20 વર્લ્ડકપ : 162ના લક્ષ્ય સામે યુએસએ 132/8 : સુર્યાની લડાયક ફિફટી, સિરાજની 3 વિકેટ

મુંબઈ તા.7 : ટી ર0 વર્લ્ડ કપના પોતાના પહેલા મેચમાં ભારતે અમેરિકાને ર9 રને હરાવ્યું છે. ઓપનરોના ફલોપ શો બાદ સુર્યકુમારની લડાયક ફિફટીની મદદથી ભારતે અમેરિકા સામે ર0 ઓવરમાં 9 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકાની ટીમ ર0 ઓવરમાં 8 વિકેટે 13ર રન જ બનાવી શકી હતી. સિરાજે 3 અને અર્શદીપ તથા અક્ષરે બે-બે વિકેટ ઝડપી હતી. 

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7થી રમાયેલા મેચમાં અમેરિકાની ટીમે ટોસ જીતીને પહેલા બાલિંગ લીધી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી. અભિષેક શર્મા તેની ડેબ્યૂ ઈનિંગના પહેલા બોલ પર આઉટ થયો હતો. આ રીતે શૂન્ય રને આઉટ થનારામાં તે ગંભીર, નેહરા, ઠાકુર અને હુડ્ડા પછી પાંચમો ભારતીય બેટર બન્યો હતો. ભારતે પાવર પ્લેમાં જ 4 વિકેટ ગુમાવ્યા બાદ સુર્યકુમાર (49 દડામાં અણનમ 84) એ સ્કોરને 1પ0ને પાર પહોંચાડયો હતો. સુર્યકુમારે 36 દડામાં ફિફટી પુરી કરી હતી. 10મી ઓવરે કેચ છૂટયો અને તેને મળેલું જીવતદાન અમેરિકાને ભારે પડયું હતુ. અમેરિકા વતી વેન શલ્કવિકે 4 વિકેટ ઝડપી હતી.

ઇશાન કિશન અને તિલક વર્માએ ક્રીઝ પર સ્થિર થવાનો પ્રયાસ કર્યો પરંતુ પાવરપ્લેના અંતિમ ઓવરમાં શેડલી વાન શાલ્કવિકે શાનદાર સ્પેલ ફેંક્યો હતો. શાલ્કવિકે ઓવરના બીજા બોલ પર ઇશાન (20 રન) ને આઉટ કર્યા પછી અંતિમ બે બોલમાં, શાલ્કવિકે તિલક વર્મા (25 રન) અને શિવમ દુબે (0 રન) ને આઉટ કર્યા. શિવમ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 46/4 હતો. 14 ઓવરના અંતે 86 થયો. 18 ઓવરમાં 7 વિકેટે 1ર8 રન બનાવ્યા અને સુર્યકુમાર તથા અર્શદીપ ક્રિઝ પર હતા. રિંકુ સિંહ (06) અને હાર્દિક પંડ્યા (0પ) એ નિરાશ કર્યા હતા. રિંકુને મોહમ્મદ મોહસીન દ્વારા 6 રન પર આઉટ કરવામાં આવ્યો. હાર્દિક પંડ્યાને હરમીત સિંહે આઉટ કર્યો ત્યારે ભારતનો સ્કોર 77/6 હતો. અક્ષર પટેલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે સાતમી વિકેટ માટે 41 રન ઉમેર્યા હતા. 140ના સ્કોરે ભારતે 8 વિકેટ ગુમાવી હતી.

ઝડપી બોલર બુમરાહ બીમાર હોવાથી તેનો ભારતીયની પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. સંજુ સેમસન, કુલદીપ યાદવ અને વાશિંગ્ટન સુંદરને તક ન મળી. ઇશાન કિશન, સિરાજનો સમાવેશ કરાયો હતો.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક