• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

બગદાણા પ્રકરણમાં જયરાજ આહિર સહિત 6નાં જામીન મંજૂર

14 દિવસના જેલવાસ બાદ મહુવા કોર્ટે આપી રાહત: જયરાજ આહિર હાથમાં ભગવદ્ ગીતા લઈને જેલની બહાર આવ્યો

ભાવનગર, તા.7 : બગદાણામાં બનેલી હિંસક ઘટના અને નવનીત બાલધિયા પર થયેલા કથિત હુમલાનાં પ્રકરણમાં છેલ્લા બે અઠવાડિયાથી જેલવાસ ભોગવી રહેલા જયરાજ આહિર અને અન્ય પાંચ આરોપીઓને આજે ન્યાયિક પ્રક્રિયાના અંતે મોટી રાહત મળી છે. મહુવાની કોર્ટે બન્ને પક્ષોની દલીલો અને પોલીસ તપાસના એફિડેવિટને ગ્રાહ્ય રાખી તમામ 6 આરોપીના શરતી જામીન મંજૂર કરવાનો આદેશ આપ્યો છે.

બગદાણામાં સામાજિક કે અંગત અદાવતમાં નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. તપાસના આધારે જયરાજ આહિર સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ગઈકાલે મહુવા કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરવાની હતી પરંતુ એસઆઇટી દ્વારા રજૂ કરવામાં આવેલી એફિડેવિટ (સોગંદનામું) બાદ સુનાવણી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. આજે ફરીથી હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં બચાવ પક્ષ અને સરકારી વકીલ વચ્ચે તીખી દલીલો થઈ હતી. અંતે, કોર્ટે જયરાજ આહિર, નાજુ કામળિયા, કાના કામળિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકી સહિતના તમામ 6 આરોપીને જામીન મુક્ત (જુઓ પાનું 10)

કરવાનો ચુકાદો આપ્યો હતો. જયરાજ આહીરની આજે જ્યારે જેલમુક્તિ થઈ ત્યારે તેના હાથમાં ગીતાજી જોવા મળી હતી. કારમાં બેસી ગયા બાદ પણ જયરાજ આહીર પોતાના હાથમાં રહેલી ગીતાજી દેખાડતો જોવા મળ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક