• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

યુક્રેન પર રૂસનો વધુ એક ભીષણ હુમલો

400 ડ્રોન અને 40 મિસાઈલસથી ઊર્જા મથકોને નિશાન બનાવાયાં : યુક્રેનમાં વીજળી બંધ કરવી પડી

કીવ, તા. 7 : યુક્રેનના ઊર્જા મથકો પર રશિયાએ વધુ એક ભીષણ હુમલો કર્યો છે. પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં 400થી વધુ ડ્રોન અને 40 મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. આ હુમલાનું મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના પાવર ગ્રીડ, વીજ ઉત્પાદન કેન્દ્રો અને સબસ્ટેશનોને નુકસાન પહોંચાડીને દેશને અંધકારમાં ધકેલી દેવાનું હતું. આ ભીષણ હુમલાને કારણે યુક્રેન સરકારને તાત્કાલિક અસરથી સમગ્ર દેશમાં ઈમરજન્સી પાવર કટ (વીજ પુરવઠો બંધ) કરવાની ફરજ પડી છે.

ઝેલેન્સ્કીએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, રશિયા પાસે રાજદ્વારી માર્ગ પસંદ કરવાની તક હતી, પરંતુ તેણે ફરી એકવાર હિંસાનો માર્ગ પસંદ કર્યો છે. જ્યાં પણ સુરક્ષની સ્થિતિ અનુકૂળ છે, ત્યાં રશિયન હુમલાનાં સ્થળોએ બચાવ અને સમારકામની કામગીરી સતત ચાલી રહી છે.

ગઈકાલ રાત્રે થયેલા આ હુમલામાં 400થી વધુ ડ્રોન અને લગભગ 40 અલગ-અલગ પ્રકારની મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયાના મુખ્ય નિશાન પર યુક્રેનના એનર્જી ગ્રીડ, વીજ ઉત્પાદન મથકો અને વિતરણ સબસ્ટેશનો હતાં.

વોલિન, ઈવાનો-ફ્રેન્કિવસ્ક, લ્વીવ અને રિવને પ્રદેશોમાં મોટાપાયે નુકસાનના અહેવાલો છે. રિવનેમાં એક એપાર્ટમેન્ટને પણ નુકસાન પહોંચ્યું છે, જ્યારે વિનિત્સિયા પ્રદેશના લેડીઝિનમાં ડ્રોન હુમલામાં એક કૃષિ કોલેજની વહીવટી ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત કીવ અને ખાર્કિવમાં પણ હુમલા થયા છે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ હવાઈ સંરક્ષણની કામગીરી ચાલુ છે.

ઝેલેંસ્કીનો દાવો : જૂન સુધીમાં યુદ્ધ સમાપ્ત કરવાં અમેરિકાએ આપી છે ચેતવણી

નવીદિલ્હી,તા.7: યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેંસ્કીએ મોટો ખુલાસો કરતાં દાવો કર્યો છે કે, અમેરિકાએ યુક્રેન અને રશિયાને યુદ્ધ સમાપ્ત કરવા માટે જૂન 2026 સુધીની સમયમર્યાદા આપી છે. જો આ નક્કી સમયગાળા સુધી કોઈ સમજૂતી ન થાય, તો અમેરિકા બન્ને પક્ષો પર દબાણ વધારી શકે છે. ઝેલેંસ્કીંનાં કહેવા અનુસાર અમેરિકી પ્રશાસન ઈચ્છે છે કે ઉનાળાની શરૂઆત સુધીમાં યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં સ્પષ્ટ અને ઠોસ પરિણામો સામે આવવા જોઈએ. જોકે, ઝેલેંસ્કીના આ નિવેદન પર શનિવાર સવાર સુધી રોક લગાવવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા ઈચ્છે છે કે આ યુદ્ધનો અંત આ ઉનાળાની શરૂઆત સુધી આવી જાય. જો આવું ન થાય તો બન્ને પક્ષ ઉપર દબાણ વધારવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક