• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

ટ્રેડ ડીલ : કૃષિ-ડેરીમાં અમેરિકાને નથી કોઈ ઢીલ

અમેરિકાએ 25 ટકા દંડાત્મક ટેરિફ તાત્કાલિક અસરથી હટાવ્યો: વચગાળાની વેપાર સમજૂતી જાહેર

નવી દિલ્હી, તા.7: ભારત-અમેરિકા વચ્ચે 500 અબજ ડોલર (આશરે 45,29,069.80 કરોડ રૂપિયા)ની વેપાર સંધિ માટે એક વચગાળાનાં માળખા પર સંમતિ સધાઈ છે. આ કરાર માત્ર બન્ને દેશના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય જ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકી બજારમાં પકડ મજબૂત બનાવવા એક મોટી તક પણ છે.  ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા વ્યાપારી તનાવનો આજે ઔપચારિક અંત આવી ગયો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, બન્ને દેશ એક વચગાળાની વેપાર સંધિનાં માળખા પર સહમત થઈ ગયા છે. આ કરાર ટેરિફ યુદ્ધનો અંત લાવશે એટલું જ નહીં પરંતુ દ્વિપક્ષીય વેપારી સંબંધોમાં એક નવા વ્યૂહાત્મક યુગની શરૂઆત પણ કરશે. આ કરારની સૌથી મોટી અને મહત્વની બાબત રશિયા પાસેથી ઓઈલ ખરીદી સબબ લગાડવામાં આવેલા 2પ ટકા દંડાત્મક ટેરિફને હટાવવાનાં આદેશ ઉપર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરી દેવામાં આવેલા હસ્તાક્ષર છે. આ વધારાનો ટેરિફ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવામાં આવ્યો છે. આમ હવે ભારતીય સામાન ઉપર અમેરિકામાં કુલ મળીને 18 ટકા ટેરિફ લાગશે તે સ્પષ્ટ બની ગયું છે.

ભારત અને અમેરિકાની વેપાર સંધિની બારીક વિગતો આપતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, દેશને વિકસિત બનાવવા દિશામાં આ સમજૂતી મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ગોયલએ કહ્યું કે આપણા નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા મોસ્ટ પ્રિફર્ડ ડયૂટી સાથે ખુલી છે. આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાઈ જશે.

તેમણે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા કરી. ગોયલે કહ્યું કે આ સમજૂતી બે દેશોના વચ્ચે વેપાર વધારવા અને સહયોગને ગાઢ બનાવવાના પર કેન્દ્રિત રહી છે. આ સમજૂતીથી ભારતીય નિકાસકારો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો અને માછીમારો માટે વધુ તક મળશે.

કરાર હેઠળ અમેરિકા હવે ભારતીય ઉત્પાદનો પર માત્ર 18% ટેરિફ વસૂલશે. ગયા વર્ષે અૉગસ્ટમાં આ શુલ્ક વધીને 50% કરી નાખવામાં આવેલો અને તેનાં હિસાબે અમેરિકાનાં બજારમાં ભારતીય નિકાસકારો ભારે હાલાકીનો સામનો કરતાં થઈ ગયા હતાં.

વૈશ્વિક બજારમાં ભારતીય જૂતાં અને ચામડાના ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધશે. કરારના સંપૂર્ણ અમલીકરણ બાદ આ ઉત્પાદનો પરથી શુલ્ક સંપૂર્ણપણે દૂર કરી લેવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર લાદવામાં આવેલા વધારાના શુલ્કો પણ પાછા ખેંચવામાં આવશે. આ રાહતના બદલામાં ભારતે પણ કેટલાક કડક અને વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે રશિયન કાચા તેલની ખરીદીમાં ભારે ઘટાડો કરવાની અને પોતાની ઊર્જા જરૂરિયાતો માટે અમેરિકા તથા શક્ય હોય તો વેનેઝુએલા તરફ વળવાની સંકેત આપ્યો છે. આ ઉપરાંત, ટ્રમ્પના કહેવા મુજબ, ભારતે આગામી કેટલાક વર્ષોમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલર મૂલ્યના માલની ખરીદી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

નવા કરારો હેઠળ અમેરિકા પાસેથી શેલ ઓઇલ અને એલએનજીની મોટા પાયે આયાત થઈ શકે છે. અમેરિકન બદામ, સફરજન, અખરોટ અને સોયાબીન તેલ માટે ભારતીય બજારના દરવાજા વધુ ખુલશે. બોઇંગ જેવી અમેરિકન વિમાન નિર્માતા કંપનીઓને મોટા ઓર્ડરો આપવામાં આવી શકે છે.

આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ બન્ને દેશ વચ્ચે વેપારમાં આવતા અદૃશ્ય અવરોધોને હટાવવાનો છે. ભારત અમેરિકન તબીબી ઉપકરણો સાથે જોડાયેલી જૂની સમસ્યાઓ ઉકેલવા પર સંમત થયું છે. માહિતી અને સંચાર ટેકનોલોજી સંબંધિત સામાન માટે આયાત લાયસસિંગ પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવશે. આગામી છ મહિનાની અંદર, ભારત સમીક્ષા કરશે કે શું અમેરિકન ધોરણો અને પરીક્ષણની આવશ્યકતાઓ ભારતીય બજાર માટે સ્વીકાર્ય બની શકે છે કે નહીં.

આંતરરાષ્ટ્રીય કારોબારનાં નિષ્ણાતોનું માનવું છે કે, આ કરાર ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. 18% ટેરિફ સાથે ભારતીય ઉત્પાદનો હવે વિયેતનામ (20%) અને ચીન (30-35%)ની સરખામણીએ અમેરિકી બજારમાં વધુ સસ્તા અને સુલભ બનશે. જોકે, ભારતીય ખેડૂત સંગઠનોએ કૃષિ ક્ષેત્ર ખોલવાની સંભાવનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે સંવેદનશીલ ક્ષેત્રો સરકારે રાખવાનો વિશ્વાસ આપ્યો છે. ભારત સરકારના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, આ વચગાળાનાં કરારને માર્ચના મધ્ય સુધી એક ઔપચારિક કાનૂની દસ્તાવેજમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેનાથી બન્ને દેશ વચ્ચે વેપારના નવા નિયમો સંપૂર્ણ રીતે અમલમાં આવી જશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક