રોહિતની વનડેમાં 33મી સદી, કોહલીની દમદાર અર્ધસદી : ઓસ્ટ્રેલિયાએ આપેલા 237ના લક્ષ્યને 39મી ઓવરમાં જ પાર પાડયું
નવી
દિલ્હી, તા. 25 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીનો ત્રીજો અને અંતિમ મુકાબલો
શનિવારે સિડનીમાં રમાયો હતો. આ મુકાબલામાં રોહિત શર્માની સદી અને વિરાટ કોહલીની અર્ધસદીની
મદદથી ભારતીય ટીમે નવ વિકેટે જીત મેળવી હતી. મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે
237 રનનું લક્ષ્ય રાખ્યું હતું. જેને સરળતાથી પાર કરી લીધું હતું. રોહિત શર્મા 121
અને વિરાટ કોહલી 74 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય ટીમને પર્થમાં રમાયેલા વનડેમાં
ડીએલએસ નિયમ હેઠળ સાત વિકેટે હાર મળી હતી. જ્યારે એડિલેડ વનડે મેજબાન ટીમે બે વિકેટે
જીત્યો હતો. હવે ભારતે સિડની વનડે જીતીને સન્માન બચાવ્યું છે. જો કે ઓસ્ટ્રેલિયાએ
2-1થી શ્રેણી નામે કરી છે.
રનચેઝમાં
કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માએ ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી અને 69 રનની ભાગીદારી
કરી હતી. આ ભાગીદારીને હેઝલવુડે તોડી હતી. જેમાં ગિલને આઉટ કર્યો હતો. બાદમાં વિરાટ
કોહલી અને રોહિત શર્માએ શાનદાર ભાગીદારી કરી હતી. બન્નેએ મળીને નોટઆઉટ 168 રન જોડયા
હતા. રોહિતે 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 125 બોલમાં 121 રન કર્યા હતા. જે રોહિત
શર્માની કારકિર્દીની 33મી વનડે સદી રહી હતી. જ્યારે કોહલીએ સાત ચોગ્ગાની મદદથી 81 બોલમાં
નોટઆઉટ 74 રનનું યોગદાન આપ્યું હતું.
ટોસ
જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 46.4 ઓવરમાં 236 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન
ટીમની શરૂઆત સારી રહી હતી. ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શે પહેલી વિકેટ માટે 61 રન કર્યા
હતા. સિરાજે હેડને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. બાદમાં અક્ષર પટેલે માર્શને 41 રને
બોલ્ડ કર્યો હતો. બાદમાં ફોર્મમાં રહેલો મેથ્યુ શોર્ટ 30 રને વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં
આઉટ થયો હતો. અહિંયાથી એલેક્સ કેરી અને મેથ્યુ રેનશો વચ્ચે ચોથી વિકેટ માટે 59 રનની
ભાગીદારી થઈ હતી. કેરી હર્ષિત રાણાનો શિકાર બન્યો હતો.
વોશિંગ્ટન
સુંદરે રેનશોના રૂપમાં ભારતીય ટીમને વધુ એક મોટી સફળતા અપાવી હતી. રેનશોએ 55 રન કર્યા
હતા. મિચેલ ઓવન એક રને હર્ષિતનો શિકાર બન્યો હતો. સ્ટાર્ક ચાઈનાબેન કુલદીપ યાદવની ફીરકીમાં
ફસાયો હતો. બાદમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ નાથન એલિસની વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ અંતિમ
બે વિકેટ લીધી હતી. મેચમાં હર્ષિતે કુલ ચાર વિકેટ લીધી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરને
બે સફળતા મળી હતી.