હરારે તા.21: ઝિમ્બાબ્વે સામેના એકમાત્ર ટેસ્ટના પ્રારંભે અફઘાનિસ્તાનનો 127 રનમાં ધબડકો થયો હતો. પૂરી અફઘાન ટીમ માત્ર 32.3 ઓવરમાં ઢેર થઇ હતી. એક સમયે અફઘાનિસ્તાનના 1 વિકેટે 77 રન હતા. આ પછી પ0 રનમાં બાકીની 9 વિકેટ ગુમાવી હતી. સૌથી વધુ 37 રન રહમાનઉલ્લાહ ગુરબાજે કર્યાં હતા. આ સિવાય અબ્દુલ મલિકે 30 અને ઇબ્રાહિમ ઝારદાને 19 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી બ્રેંડ એજન્સે કેરિયરમાં પહેલીવાર ફાઇવ વિકેટ હોલ બનાવ્યો હતો. તેણે 22 રનમાં પ વિકેટ લીધી હતી. પહેલા દિવસની રમતના અંતે ઝિમ્બાબ્વેના 2 વિકેટે 130 રન થયા હતા અને 3 રને આગળ થયું હતું. બેન કરણ અર્ધસદી કરી બાવન રને નોટઆઉટ રહ્યો હતો. નિક વેલ્ચ 49 રને આઉટ થયો હતો. બ્રેંડન ટેલર 18 રને અણનમ રહ્યો હતો.