• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

બાંગલાદેશ સામે હારની બાજી જીતમાં પલટાવી શ્રીલંકાએ સેમિ ફાઇનલની આશા જીવંત રાખી મહિલા વિશ્વ કપ મેચમાં 6 વિકેટ હાથમાં હોવા છતાં બાંગલાદેશ આખરી 12 દડામાં 12 રન કરી શક્યું નહીં

કોલંબો તા.21: મહિલા વન ડે વિશ્વ કપના છેલ્લા દડા સુધીના રોમાંચક મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ 7 રને દિલધડક જીત મેળવીને શ્રીલંકા ટીમે તેની સેમિ ફાઇનલ આશા જીવંત રાખી હતી. જયારે બાંગલાદેશ ટીમ સેમિની રેસમાંથી બહાર થઇ છે. મેચના આખરી 12 દડામાં બાંગલાદેશને 12 રનની જરૂર હતી અને તેના હાથમાં 6 વિકેટ હતી. ત્યારે કપ્તાન નિગાર સુલ્તાના 77 રને બેટિંગમાં હતી. આ પછી બાંગલાદેશનો નાટકિય ધબડકો થયો હતો અને આખરી 9 દડામાં ફકત બે રન જ કરી શકી હતી અને આ દરમિયાન પ વિકેટ ગુમાવી હતી. શ્રીલંકાએ હારની બાજી જીતમાં પલટાવી હતી. શ્રીલંકાએ 48.4 ઓવરમાં 202 રન કર્યાં હતા. જવાબમાં બાંગલાદેશ ટીમ પ0 ઓવરમાં 9 વિકેટે 19પ રન અટકી ગઇ હતી.

મહિલા વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલ પર શ્રીલંકાના 6 મેચમાં 4 અંક થયા છે અને તેની સેમિ ફાઇનલની આશા જીવંત રહી છે. બીજી તરફ બાંગલાદેશના 6 મેચમાં 2 અંક છે અને તેના માટે સેમિના દરવાજા બંધ થયા છે.

શ્રીલંકા તરફથી કપ્તાન ચમારી અટાપટુએ 46 અને હસિની પરેરાએ 8પ રનની શાનદાર ઇનિંગ રમી હતી. જયારે નીલાક્ષી ડિસિલ્વાએ 37 રનનું યોગદાન આપ્યું હતું. શોરના અખ્તરને 3 વિકેટ મળી હતી. બાંગલાદેશ તરફથી કપ્તાન નિગાર સુલ્તાને 77 અને શર્મીન અખ્તરે અણનમ 64 રન કર્યાં હતા. ચમારી અટાપટુએ 4 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક