• રવિવાર, 21 જુલાઈ, 2024

ગાઝાની હોસ્પિટલમાં 200 દર્દીનાં મૃત્યુ હમાસને ખતમ કરવા કોઈ પણ હદે જઈશું: ઇઝરાયલ

તેલ અવીવ, તા. 18 : દક્ષિણ ગાઝામાંથી પણ હમાસનો સફાયો કરવાના સંકલ્પની સેનાની ઘોષણા વચ્ચે ગાઝાની સૌથી મોટી અલ-શિફા હોસ્પિટલમાં ચાર નવજાત બાળકો સહિત તમામ 200 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે.

હોસ્પિટલમાં ખાસ તો ઈંધણ સહિત જરૂરી સુવિધાઓની અછતનાં પગલે સમયસર સારવાર નહીં મળતાં આઈસીયુમાં દાખલ તમામ દર્દી જીવ ખોઈ ચૂક્યા છે, તેવું ગાઝાનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એ જણાવ્યું હતું કે, હમાસના ખાત્મા માટે અમે કોઈ પણ હદ સુધી જશું.

દરમ્યાન, એક અહેવાલ અનુસાર, ઈઝરાયેલી સેનાએ તબીબો અને દર્દીઓને અલ-શિફા હોસ્પિટલ ખાલી કરવા માટે એક કલાકનો સમય આપ્યો હતો. હમાસના આતંકવાદીઓ જ્યાં પણ જોવા મળશે ત્યાં ખતમ કરી નાખશું, તેવું આઈડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું.

દરમ્યાન, સંયુક્ત રાષ્ટ્રના માનવીય મામલાઓના વડા માર્ટિન ગ્રિફીએ કહ્યું કે, અમારી માંગ બહુ સરળ છે. યુદ્ધ રોકી દો, જેથી સામાન્ય નાગરિકો સલામત સ્થળો પર પહોંચી શકે.

--------

હમાસ-ઈઝરાયલ યુદ્ધથી હટી ગયું ઈરાન

ઈઝરાયલ અને પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ શાતિર કૂટનીતિથી ઈરાનનો કાંટો કાઢી નાખ્યો છે. ઈરાન આ યુદ્ધથી અચાનક હટી ગયું છે. અમેરિકાની અસર છે કે સાઉદી અરબમાં હમાસ સમર્થકોની ધરપકડ કરવામાં આવી રહી છે. મુસ્લિમ દેશો હવે ઈઝરાયલ વિરુદ્ધ સંગઠિત નથી. ઈઝરાયલને ક્રૂડની સપ્લાય ઠપ્પ કરવાના પ્રસ્તાવને સાઉદી અરબ અને યુએઈએ વીટોથી નિષ્ફળ બનાવ્યો હતો. અગાઉ આશંકા હતી કે ઈરાન સમર્થિત લેબનાનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. અમેરિકાએ અનેક મોરચે ઘેર્યા બાદ તાજેતરમાં ઈરાને જાહેર કર્યુ કે તે આ યુદ્ધમાં સામેલ થશે નહીં ઉપરાંત મુસિલમ દેશોને ભડકાવશે પણ નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક