આજના રાજ્ય સરકારના અંદાજપત્ર પૂર્વે વેપાર-ઉદ્યોગ સંગઠનોની માગ બળવાન
રાજકોટ,
તા.17 (ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાતના અંદાજપત્ર પૂર્વે ફરી એક વખત વ્યવસાય વેરો દૂર કરવાની
માગણી વેપાર ઉદ્યોગ દ્વારા ઉઠી છે. આવતીકાલે રાજ્યનું અંદાજપત્ર નાણાપ્રધાન રજૂ કરવાના
છે એ પહેલા સરકારને સાવ નજીવી આવક આપતા અને વેપાર ઉદ્યોગ માટે કાગળોની ઝંઝટ વધારતા
વ્યવસાય વેરાને નાબૂદ કરવા માટે અવાજ ઉઠયો છે. કોર્પોરેશનોને વ્યવસાય વેરાના ટાર્ગેટ
આપવામાં આવેલા છે ત્યારે આ વેરો જશે કે કેમ તે મોટો સવાલ છે.
ગુજરાત
ટ્રેડર્સ ફેડરેશન કહે છે, વેપાર એ પ્રોફેશનથી તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવાયું
છે છતાં સરકાર વ્યવસાયવેરો ઉઘરાવે છે. તે દૂર કરવો ખૂબ જ જરૂરી છે. આ વેરાની હવે કોઇ
વેલ્યૂ જ નથી રહી છતાં ઉઘરાણી ચાલુ છે. સરકાર ઇઝ ઓફ ડુઇંગ કરવા માગતી હોય તો વેરાની
આવશ્યકતા જ નથી. સંગઠન કહે છે, કોમર્શિયલ મિલકતો
પર પ્રોપર્ટી ટેક્સનો દર ગેરવ્યાજબી અને અસંગત છે. વેપારીઓ માટે અલગ સ્લેબ દૂર કરવો
જોઈએ. કોર્પોરેશન તરફથી કોઈ વધારાની સુવિધા આપવામાં આવતી નથી કે આ મિલકત ધારકો પણ કોઈ
વધારાનો ઘસારો આપતા નથી.
જીએસટી
ટ્રિબ્યૂનલની અનેક વખત વાતો અને પછી જાહેરાત થયા પછી પણ વ્યવસ્થા ગોઠવાતી નથી. સુવિધાના
અભાવે વેપારીઓ પરેશાન છે.
ગ્રેટર
રાજકોટ ચેમ્બરના પ્રમુખ રાજીવ દોશી કહે છેકે, પ્રોપર્ટી ટ્રાન્સફર વખતે ટેક્સ લેવાય
છે તે કારણ વિનાનો છે. એ નડતર છે. એ ઉપરાંત વ્યવસાયવેરાની માગ ઘણી જૂની થઇ ગઇ છે. સરકારને
એમાં ખાસ કમાણી નથી છતાં કોઇ કાર્યવાહી થતી નથી તેનું આશ્ચર્ય છે.
રાજકોટમાં
આજી જીઆઇડીસીની સમસ્યા વર્ષો જૂની છે એ માટે સરકાર કોઇ જાહેરાત કરતી નથી. અગાઉ શહેર
બહાર ગણાતી અને પછી શહેરી વિસ્તારમાં ભળી ગયેલી જીઆઇડીસીઓમા અત્યારે ડબલ ટેક્સેસનનો મુદ્દો વ્યાપક છે. રાજકોટની
આજી જેવી ઘણી જીઆઇડીસીઓ માટે ટેક્સેસનની સમસ્યા ઉકેલવા માટે જાહેરાત કરવી જોઇએ. ઉદ્યોગકારો
મેઇન્ટેનન્સ જીઆઇડીસીને ભરે છે અને કોર્પોરેશનને ટેક્સ પણ ભરે છે.
સરકાર
અંદાજપત્રમાં આ મુદ્દો ઉકેલે તો ઉદ્યોગકારોને હાશકારો થશે.