• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

નેધરલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો આજે ‘વોર્મઅપ મેચ’

ભારતીય ઇલેવનમાં વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે : અભિષેક પાસેથી મોટી ઇનિંગની આશા

અમદાવાદ, તા.17 : ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા શાનથી સુપર-8 રાઉન્ડમાં પહોંચી ચૂકી છે. જીતની હેટ્રિક બાદ પરાક્રમી સૂર્યસેના હવે બુધવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગ્રુપ સ્ટેજના આખરી મેચમાં નેધરલેન્ડ સામે મેદાને પડશે. પાછલા મેચમાં પાકિસ્તાનને 61 રને કારમી હાર આપનાર ભારતીય ટીમનો આત્મવિશ્વાસ આભને આંબી રહ્યો છે. જો કે ડચ ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં. વર્તમાન વર્લ્ડ કપમાં એસોસિયેટ દેશોની ટીમ ચમકારા કરી રહી છે. નેધરલેન્ડ સામેના મેચમાં ભારતીય ઇલેવનમાં પ્રયોગ જોવા મળી શકે છે. સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને તક મળવાની પ્રબળ સંભાવના છે. આ મેચમાં ભારત કેટલાક ખેલાડીને વિશ્રામ આપી શકે છે. નેધરલેન્ડ ટીમ વર્લ્ડ કપની લગભગ બહાર છે. તેની નજર નંબર વન અને વર્તમાન ચેમ્પિયન ભારત વિરુદ્ધ સન્માનજનક દેખાવ કરવાનો રહેશે.

ભારતીય ઇલેવનમાં હાર્દિક પંડયા અને શિવમ દૂબેમાંથી કોઈ એકને રેસ્ટ મળી શકે છે. આ ઉપરાંત જસપ્રિત બુમરાહને પણ વિશ્રામની સંભાવના છે. વિજયરથ પર સવાર ટીમ ઇન્ડિયાની એકમાત્ર ચિંતા નંબર વન બેટર અભિષેક શર્માનું અચાનક આઉટ ઓફ ફોર્મ થવું છે. તે વર્લ્ડ કપની બન્ને ઇનિંગમાં ખાતું ખોલાવી શક્યો નથી. નેધરલેન્ડ સામેના મેચમાં અભિષેક મોટી ઇનિંગ રમવા માગશે જ્યારે બાકીના ભારતીય બેટર્સ સુપર-8 રાઉન્ડ અગાઉ સ્પિન વિરુદ્ધ સારા દેખાવના પ્રયાસમાં રહેશે.

અભિષેક શર્માએ પાછલા 18 મહિનામાં ખુદને ટી-20 ફોર્મેટનો ખતરનાક બેટધર સાબિત કર્યો છે. તે ટી-20 વિશ્વ કપમાં રનના ઢગલા કરશે તેવી ભવિષ્યવાણી થઈ રહી હતી. જો કે અચાનક જ તેના બેટમાં કાટ લાગી ગયો છે. અમેરિકા અને પાકિસ્તાન સામે તે ઝીરોમાં આઉટ થયો છે. તેની બોડી લેંગ્વેજ કોન્ફિડન્સ જોવા મળી રહ્યો નથી. બીમારી પછી તે શિથિલ બન્યો છે. ભારત માટે સારી વાત એ છે કે ઇશાન કિશન આતશી બેટિંગ કરી રહ્યો છે. કપ્તાન સૂર્યકુમાર અને તિલક વર્મા પણ સારા ટચમાં છે. હાર્દિક-શિવમ-રિંકુ અને અક્ષરની હાજરીથી ભારતીય ટીમને બેટિંગ ઊંડાઈ ઘણી સારી બની છે. જો બુમરાહને વિશ્રામ મળશે તો અર્શદીપ અને સિરાજમાંથી કોઇ એકને તક મળશે.

નેધરલેન્ડનું બેટિંગ-બોલિંગ આક્રમણ નબળુ છે. ટીમ ઇન્ડિયા માટે સુપર-8 રાઉન્ડ અગાઉ વોર્મઅપ મેચ બની રહેશે. અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપમાં આફ્રિકાએ કેનેડા વિરુદ્ધ 4 વિકેટે 213 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. નેધરલેન્ડ સામે ભારતીય ટીમને પ્રથમ દાવની તક મળશે તો સ્કોર આથી પણ ઊંચો જોવા મળી શકે છે.

 

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં યુવકને રેલવેમાં નોકરી અપાવવા નામે 47 લાખ પડાવનાર બે ઝડપાયા આરોપીઓએ મહિલા સહિત ત્રણ પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ February 18, Wed, 2026