• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

સીમાંકન અને મહિલા અનામત માટે કેન્દ્રને અકાલી દળનું સમર્થન

            મોદી સાથે મુલાકાતનાં બીજા દિવસે પક્ષનાં નેતાઓ સાથે બેઠક પછી બાદલની ઘોષણા

નવી દિલ્હી, તા. 8: શિરોમણી અકાલી દળે (બાદલ) કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા સીમાંકન અને મહિલા અનામત વિધેયકને સમર્થન આપ્યું છે. અકાલી દળ (બાદલ)ના અધ્યક્ષ સુખબીર બાદલે સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું હતું કે, આ અંગે ચર્ચા કરવાં ચંદીગઢમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી.

બાદલ દ્વારા આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના એક દિવસ બાદ કરવામાં આવી છે. જોકે, અકાલી દળે સીમાંકન બિલને લઈને પોતાની માંગ પણ રજૂ કરી છે. બાદલે કહ્યું હતું કે, અકાલી દળને શીખ ગુરુઓની શિક્ષાઓમાંથી પ્રેરણા મળે છે, જેમણે મહિલાઓના સન્માન, સમાનતા અને સમાન અધિકારોની હિમાયત કરી હતી. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પોતાની સભામાં મહિલાઓ માટે અનામતની વ્યવસ્થા કરીને પહેલેથી જ એક ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.

કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરતાં સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે, સંસદ સમક્ષ રહેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કર્યા બાદ, શિરોમણી અકાલી દળે નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ સીમાંકનની પણ માંગ કરી છે, જેથી તમામ રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ મળી શકે. શિરોમણી અકાલી દળે ભારત સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા એ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે  જેમાં તમામ રાજ્યોની બેઠકોમાં સમાન રીતે 50 ટકાનો વધારો કરવાની વાત કરવામાં આવી હતી. પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું કે મહિલા અનામત અને પરિસીમનની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવી જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક