ચીનને ફરીથી 155 ટકા ટેરિફની ધમકી : હમાસને કહ્યું, હવે સમજૂતી તૂટશે તો નાશ થશે
વોશિંગ્ટન, તા.21: ઓસ્ટ્રેલિયાનાં
પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ અમેરિકાની યાત્રાએ છે અને તેમણે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચીનને મહાત આપવા માટે મહત્ત્વની રેર અર્થ મિનરલ્સ સમજૂતી ઉપર હસ્તાક્ષર
કર્યા છે. આ ખનીજનાં બદલામાં અમેરિકા તરફથી ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીન આપવામાં આવશે.
અલ્બનીઝે આ કહ્યું હતું કે,
8.5 અબજ ડોલરનો આ સોદો બન્ને દેશોનાં સંબંધોને નવી ઉંચાઈ આપશે. આ સોદાથી ચીનની પકડ
ઢીલી થશે કારણ કે આધુનિક ટેકનોલોજીકલ ઉપકરણો માટે અત્યંત જરૂરી એવા રેર અર્થ મિનરલ્સની
આપૂર્તિમાં ચીન અત્યાર સુધી અગ્રેસર રહ્યું છે.
આંકડાઓમાં જાણવા મળે છે કે, લીથિયમ,
કોબાલ્ડ, મેગ્નીઝ પ્રોડક્શન માટે ઓસ્ટ્રેલિયાનું સ્થાન દુનિયામાં પાંચમુ છે. જેનો ઉપયોગ
સેમીકંડક્ટરથી લઈને સંરક્ષણ ઉપકરોણો, ઈલેક્ટ્રિક વાહનોમાં થાય છે. અમેરિકા અને ચીનનાં
વેપાર યુદ્ધમાં ઓસ્ટ્રેલિયા સાથે આ સોદો અમેરિકા માટે ચાવીરૂપ સાબિત થઈ શકે છે.
આ સમજૂતી માટેની વાટાઘાટો દરમિયાન
ટ્રમ્પે પોતાની અકળ તાસીર મુજબ ઓસ્ટ્રેલિયાનાં રાજદૂત અને પૂર્વ પ્રધાનમંત્રી કેવિન
રુડ પ્રત્યે સાર્વજનિક રીતે નારાજગી વ્યક્ત કરી હતી. એ વખતે રુડ પોતે પણ વ્હાઈટ હાઉસમાં
સામે જ બેઠા હતાં. આમ, પ્રધાનમંત્રીની હાજરીમાં જ ટ્રમ્પે પૂર્વ પ્રધાનમંત્રીનું અપમાન
કરી નાખ્યું હતું. દરમિયાન રેર અર્થ મિનરલ્સનાં સોદાથી વધુ જોમમાં આવી ગયેલા ટ્રમ્પે
ફરી એકવાર ચીનને ટેરિફની ધમકી પણ આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, જો ચીન વેપાર
સમજૂતી માટે સહમત નહીં થાય તો તેનાં ઉપર 1પપ ટકા ટેરિફ નાખી દેવામાં આવશે. આ ઉપરાંત
ટ્રમ્પે હમાસને પણ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, ઈઝરાયલ સાથે ગાઝા સમજૂતીનું
હવે ઉલ્લંઘન કરવામાં આવશે તો તેનો આમૂલ નાશ કરવામાં આવશે.