કાબુલ,
તા.1પ : પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે વકરેલા ઘર્ષણમાં મંગળવારે રાત્રે ખૈબર પખ્તુનખ્વાના
કુર્રમ જિલ્લામાં બન્ને દેશની સરહદ પર પાકિસ્તાની સુરક્ષા દળો અને અફઘાન તાલિબાન વચ્ચે
ભીષણ યુદ્ધ થયુ હતું અને તે આજે વહેલી સવારે પણ ચાલુ હતું. બન્ને દેશની સરહદો બંધ કરવામાં
આવી છે. ત્યારે પાકિસ્તાનનાં સમયાનુસાર સાંજે 6 વાગ્યે પાક. અને અફઘાનનાં તાલિબાન પ્રશાસન
વચ્ચે 48 કલાક માટે અસ્થાયી યુદ્ધવિરામ માટે સહમતી સધાઈ ગઈ હતી.
પાકિસ્તાનનાં
વિદેશ મંત્રાલયે દ્વારા આ યુદ્ધવિરામનો ઘોષણા સાથે કહેવામાં આવ્યું હતું કે, સરહદે
ભડકેલી લડાઈ અને શત્રુતા ઘટાડવા માટે અને વાતચીતનો રસ્તો ખોલવા માટે આ યુદ્ધવિરામ કરવામાં
આવ્યું છે. આ પહેલા પાકિસ્તાન મીડિયાએ આપેલા અહેવાલો અનુસાર અફઘાન તાલિબાન અને ફિત્ના
અલ-ખ્વારીજે કુર્રમમાં ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો છે, પાકિસ્તાની સેનાએ સંપૂર્ણ તાકાત
અને તીવ્રતાથી જવાબ આપ્યો હતો. બીજીતરફ તાલિબાને ભારતની જેમ જ પાકિસ્તાનને થયેલી તબાહીના
પુરાવા રુપે પાકિસ્તાનની નષ્ટ કરાયેલી ચોકીઓના વીડિયો જાહેર કરાયા છે. આમને સામને લડાઈમાં
ટેન્કો પર કબજો કરાયો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે હુમલામાં અફઘાન તાલિબાન ચોકીઓને
ભારે નુકસાન થયું છે, જેમાં એક ટેન્ક નાશ પામી છે. ગોળીબાર પછી તાલિબાન લડવૈયાઓ તેમની
જગ્યાઓ છોડીને ભાગી ગયા હતા. કુર્રમ સેક્ટરમાં અફઘાન તાલિબાન ચોકી અને ટેન્ક પોઝિશન
નાશ પામી છે. ત્યારબાદ શમસદર ચોકી પર ચોથી ટેન્ક પોઝિશનને નુકસાન થયાના અહેવાલ છે.
કાર્યવાહીમાં ફિત્ના અલ-ખ્વારીજનો એક મુખ્ય કમાન્ડર માર્યો ગયો હતો.
પાકિસ્તાની
સૈન્યના જણાવ્યા અનુસાર, અફઘાન તાલિબાન દળોએ કથિત રીતે કોઈપણ કારણ વગર પાકિસ્તાની સરહદી
ચોકીઓ પર હુમલો કર્યો હતો જેમાં સપ્તાહના અંતે 23 સૈનિક માર્યા ગયા હતા. પાકિસ્તાને
દાવો કર્યો છે કે તેણે બદલો લીધો હતો અને 200થી વધુ તાલિબાન અને સંલગ્ન આતંકવાદીઓ માર્યા
ગયા છે.