• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

બાબરાના ખંભાળામાંથી 19 લાખના દારૂ સાથે બે ઝડપાયા

એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીના પર્દાફાશના બીજા જ દિવસે સ્ટેટ મોનિટારિંગ સેલે ત્રણ હજારથી વધુ બોટલો ઝડપી પાડી

અમરેલી/બાબરા, તા.13 : અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામના ગ્રાસલેન્ડ વિસ્તારમાં સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને અલગ-અલગ પ્રકારની 3013 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 8.44 લાખ તથા ત્રણ વાહન સહિત કુલ આશરે રૂ. 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાબરા પોલીસે એક દિવસ અગાઉ જ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી ઝડપી પાડયા બાદ બીજા જ દિવસે એસએમસીની આ મોટી કાર્યવાહીથી ગેરકાયદે દારૂના નેટવર્કમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રવિરાજ ખાચર અને રઘુવીર ખાચર નામના બે બૂટલેગરને ઝડપી પાડયા હતા, જ્યારે તપાસમાં લાલા ગરણીયા (રહે. ગઢડા), મૌલિક તેરૈયા (રહે. બાબરા) અને દેસૂર ગઢવી (રહે. ગઢડા) નામના અન્ય ત્રણ શખસનાં નામ પણ ખૂલ્યાં છે.

એસએમસીની ટીમ દ્વારા પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના મારફતે મગાવવા આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની સપ્લાય ચેઇન અને નેટવર્ક અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક