હોસ્ટેલના જવાબદારો સામે ફરિયાદ
નોંધવા પરિવારજનોની માગ
સુત્રાપાડા,તા.12: સુત્રાપાડામાં
આજે સવારે એક દુ:ખદ ઘટના સામે આવી હતી. બક્ષીપંચ આશ્રમ શાળામાં હોસ્ટેલમાં રહી ધો.9માં
અભ્યાસ કરતો કોડીનાર તાલુકાના પ્રણાદર ગામનો બાળકનું કુંડમાં ડૂબી જતાં મૃત્યુ થયું
હોવાની ઘટના સામે આવી છે.
મૃતક બાળક તા.12ના રોજ સવારે
સુત્રાપાડા બસ સ્ટેન્ડ નજીક આવેલા સ્તવનઋષિ આશ્રમના કુંડમાં વિદ્યાર્થી ડૂબી ગયો હોવાનું
સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તેમજ સંબંધિત વ્યક્તિઓ ઘટનાસ્થળે દોડી
આવ્યા હતા અને બાળકને કુંડમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.બનાવની જાણ
થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરિવારજનો દ્વારા સમગ્ર બનાવ અંગે હોસ્ટેલના જવાબદાર
વ્યક્તિઓ વિરુદ્ધ એફ.આર.આઈ. નોંધવામાં આવે જેની તપાસ કરવામાં આવે અને ઘટનાની હકીકત
સ્પષ્ટ થાય ત્યારબાદ બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા દેશે તેવી માંગણી કરવામાં આવી
હોવાનું જાણવા મળ્યું છે. કુંડમાં વિદ્યાર્થી કયા સંજોગોમાં ડૂબ્યો?, તે સમયે તેની
સાથે કોણ હતું? તેમજ બનાવ પાછળની સમગ્ર હકીકત શું છે? તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ
તપાસ કરી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાના ચોક્કસ કારણો અને સમગ્ર હકીકત
અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.