• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

વધુ એક ઇન્ટરનેશનલ ખેલાડી સાથે ભેદભાવ

એશિયન પેરા ગેમ્સ માટે એન્ટ્રી મોડી મોકલતા પેરા-બેડમિન્ટન શટલર સિલેક્ટ ન થઈ શકી

નવી દિલ્હી, તા.13 : ભારતની ઇન્ટરનેશનલ પેરા-બેડમિન્ટન શટલર પ્રેમા વિશ્વાસ સાથે ભેદભાવ થતાં તેમણે એશિયન પેરા ગેમ્સની તક ગુમાવી હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અપીલમાં કહ્યું છે કે, જાપાનમાં યોજાનારી આઇચી-નાગોયા 2026 એશિયન પેરા ગેમ્સ માટે તેમની સત્તાવાર એન્ટ્રીમાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો હતો અને તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

આ અપીલમાં તેમણે પી એમ મોદી પાસે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે. ડબલ્યૂએચ1 કેટેગરીની આ એથ્લેટે પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એશિયન સિંગલ્સમાં 8મો અને વિમેન્સ ડબલ્સમાં ટોપ-6 રેન્ક હોવા છતાં તેમના કરતા ઓછા રેન્કવાળા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

વધુમાં કહ્યું કે, એશિયન પેરા ગેમ્સ માટે શરૂઆતમાં મારી એન્ટ્રી મોકલવામાં આવી ન હતી. અંતે જ્યારે એન્ટ્રી મોકલવામાં આવી ત્યારે એટલું મોડું થઈ ગયું હતું કે તેનો સ્વીકાર થઈ રહ્યો નથી. આમાં મારો શું વાંક છે?

પસંદગી પ્રક્રિયામાં રહેલા ભેદભાવ અંગે તેમણે પ્રકાશ પાડતા કહ્યું કે, સિંગલ્સ કેટેગરીમાં 11મા રેન્ક સુધીના શટલર્સની એન્ટ્રી કરવામાં આવી છે. મારી શું ભૂલ છે ? જ્યારે સિંગલ્સમાં 11મા રેન્ક સુધીના ખેલાડીઓ માટે એન્ટ્રી દાખલ કરવામાં આવી તો મારી એન્ટ્રી કેમ છોડી દેવામાં આવી ? મારો સિંગલ્સ રેન્ક 8 અને વિમેન્સ ડબલ્સમાં ટોપ-6 છે.

ઇ-પેપરના નવા શુલ્ક