• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

અમદાવાદમાં રૂ. 28.19 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા

મધ્યપ્રદેશથી હોન્ડા સિટી કારમાં ડ્રગ્સની ડિલિવરી આપવા અમદાવાદ આવ્યા’તા

અમદાવાદ,તા.12: મધ્યપ્રદેશથી અમદાવાદમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો પહોંચાડવા આવેલા ત્રણ શખસને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નરોડામાં પેટ્રાલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, કેટલાક શખસ હોન્ડા સિટી કાર લઈને મધ્યપ્રદેશના મંદસૌરથી ડ્રગ્સના જથ્થા સાથે અમદાવાદ આવી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હંસપુરા-દહેગામ તરફથી આવતા વાહનોનું ચાકિંગ શરૂ કર્યું હતું. કાળા રંગની હોન્ડા સિટી કાર આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા ત્રણ પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે તેનું એફએસએલ પાસે ટેસ્ટ કરાવતા તે એમ,ડી ડ્રગ્સ હોવાનું જણાયું હતું. પોલીસે રૂ.28.19 લાખની કિંમતનો કુલ 939.81 ગ્રામ એમ.ડી જથ્થો કાર અને અન્ય ચીજવસ્તુઓ સહિત રૂ.31.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ત્રણ શખસની ઓળખ અસલમ અજીજ પિંજારા મન્સુરી (ઉ.29), ઈમરાન મહબુબ મન્સુરી (ઉ.28) અને શેજાદ શબ્બીર મન્સુરી (ઉ.22) તરીકે થઈ હતી. જ્યારે મંદસૌરના વતની ઈમરાન પઠાણ ઉર્ફે લાલાએ આ જથ્થો મોકલ્યો હોય તેને ફરાર જાહેર કરાયો છે. પોલીસે પકડાયેલા ત્રણય સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક