સબાલેન્કાનું
સતત ત્રીજી વખત યુએસ ઓપન ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું
ન્યૂયોર્ક,
તા. 13 : કઝાકિસ્તાનની એલેના રાયબકીનાએ બેલારૂસની આર્યના સબાલેન્કાને હરાવીને પહેલીવાર
યુએસઓપનનું ટાઇટલ જીતી લીધું છે. ન્યૂયોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં
તેણે સબાલેન્કાને 6-4, 5-7, 6-2થી હાર આપી હતી.
આ શાનદાર
જીત સાથે રાયબકીનાએ પોતાનું ત્રીજું વિમેન્સ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવ્યું
છે. તે સત્તાવાર રીતે વર્લ્ડ નંબર-1 બની જશે. બીજી તરફ સબાલેન્કાનું સતત ત્રીજી વખત
ઞજ ઓપન ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું છે. યુએસ ઓપનમાં તેની 19 મેચની જીતનો સિલસિલો
પણ તૂટી ગયો છે. સબાલેન્કા છેલ્લા 99 અઠવાડિયાથી દુનિયાની નંબર-1 ખેલાડી હતી.
પહેલા
સેટમાં બન્ને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી પરંતુ રાયબકીનાએ લડત આપીને
સેટ 6-4થી પોતાના નામે કરી લીધો હતો. બીજા સેટમાં સબાલેન્કાએ પોતાની લય પાછી મેળવી
લીધી હતી. સ્કોર 5-5 થયા પછી બ્રેક મેળવીને સેટ 7-5થી જીતી લીધો હોવાથી મુકાબલો નિર્ણાયક
ત્રીજા સેટમાં પહોંચ્યો હતો. જેમાં રાયબકીનાએ શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. તેણે
5-2ની જંગી લીડ મેળવી લીધી હતી. આ ફાઇનલ મેચ 2 કલાક અને 21 મિનિટ સુધી ચાલી હતી.
રાયબકીનાએ
આ અગાઉ 2022માં વિમ્બલ્ડન અને 2026માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયન
ઓપનની ફાઇનલમાં પણ તેણે સબાલેન્કાને જ હરાવી હતી. યુએસ ઓપન જીત્યા બાદ હવે રાયબકીનાને
કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂરું કરવા માટે માત્ર ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતવાનું બાકી છે.