ઈસરોના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ
તરફથી ચેતવણી
નવી દિલ્હી, તા. 13 : ભારતના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટે વૈજ્ઞાનિકોને
પ્રશાંત મહાસાગરમાં દુનિયાભરમાં હલચલ મચાવનારા ‘અલ નીનો’ના પ્રારંભિક સંકેતો નોંધ્યા
છે. આ સંકેતોએ દુનિયામાં ગોડઝીલા અલ નીનોથી વરસાદની પેટર્ન તથા ભારતીય હવામાન પર ગંભીર
અસર થવાની ચેતવણી આપી છે.
વિશ્વ હવામાન સંગઠનની ચેતવણીનું
સમર્થન કરતા ઈસરોના ડેટાથી ખુલાસો થયો છે કે પ્રશાંત મહાસાગરમાં ક્લોરફિલ-એના પ્રમાણમાં
ભારે ઘટાડો આવ્યો છે અને સમુદ્રી હવાઓની દિશા બદલાઈ છે, જે આગામી સમયમાં હવામાન વધુ
જોખમી બનશે તેવા સંકેત આપે છે.
અવકાશમાં 741 કિ.મી.ની ઊંચાઈ
પર તૈનાત ઈસરોના સેટેલાઈટ ઈઓએસ-06એ મહાસાગરમાં વિકસિત થઈ રહેલા ગોડઝિલા અલ નીનોના સંકેતોની
ભાળ મેળવી છે. પરંપરાગત તાપમાન આધારિત માપદંડોથી ઘણા સમય પહેલાં મળેલા સંકેતો મુજબ
આગામી મહિનાઓમાં અલ નીનો વધુ વિકરાળ સ્વરૂપ લઈ શકે છે, જેનાથી વૈશ્વિક જળવાયુ પર અસર
થવાની સાથે ભારતીય હવામાન અને કૃષિ ક્ષેત્ર સામે પણ મોટું સંકટ ઊભું થઈ શકે છે.
ઈસરોના આ ડેટાની સૌથી મોટી વિશેષતા
એ છે કે, ક્લોરોફિલ મહાસાગરમાં થતા પરિવર્તનો પર તુરંત પ્રતિક્રિયા કરે છે. પારંપરિક
તાપમાન આધારિત માપદંડોની સરખામણીમાં આ ટેક્નોલોજી વૈજ્ઞાનિકોને અલ-નીનોની ઔપચારિક જાહેરાત
ઘણા સમય પહેલાં ચેતવણી આપી શકે છે.