• સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026

અભિષેકના તોફાનમાં અફઘાનિસ્તાન તણાયું

ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માના 32 બોલમાં આક્રમક 82 રન, અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી

નવી દિલ્હી, તા.13 : ભારતે ત્રણ મેચની ટી20 સીરિઝની પહેલી મેચ જીતી સરસાઈ મેળવી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ટી20 મેચમાં અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની પહેલી વિકેટ ઝડપથી પડી હતી. સંજુ માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો. અભિષેક શર્માએ આક્રમક મિજાજમાં બાટિંગ કરતા માત્ર 32 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. તે 18 રને સેન્ચુરી ચૂક્યો હતો. ઈશાન કિશન 42 રન કર્યા હતા. ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી જીત મેળવી હતી.

અભિષેકે પોતાની આ શાનદાર ઇનિંગમાં 7 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે ઈશાન કિશન સાથે મળીને 121 રનની મજબૂત ભાગીદારી નોંધાવીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. ઈશાન કિશન 42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બાલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચની શરૂઆતમાં એક બાદ એક પાંચ વિકેટ ઝડપથી પડી જતાં અફઘાનિસ્તાનના ફેન્સમાં હતાશા છવાઈ હતી. જોકે, અઝમતુલ્લાહ ઓમરઝાઈની શાનદાર અણનમ અડધી સદીના જોરે અફઘાનિસ્તાને ભારત સામે જીતવા માટે 157 રનનો ટાર્ગેટ મૂક્યો આપ્યો હતો.

ભારત તરફથી આ ઇનિંગમાં અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 3 વિકેટ ઝડપી હતી. એક સમયે 10 ઓવરના અંતે અફઘાનિસ્તાને 5 વિકેટે માત્ર 56 રન જ બનાવ્યા હતા. બાદમાં મોહમ્મદ નબી અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ બાજી સંભાળી હતી. નબીએ 2% બોલમાં 33 અને  ઓમરઝાઈએ 44 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 64 રન બનાવ્યા હતા. શિવમ દુબેની છેલ્લી ઓવરમાં ઓમરઝાઈએ 21 રન બનાવીને અફઘાનિસ્તાનને પડકારજનક સ્કોર બનાવવામાં મદદ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક