• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ભારત આવતા શીખ શ્રદ્ધાળુઓને એરપોર્ટ ઉપર રોકી લેતું પાક.

ભારતનાં વિઝા હોવા છતાં તેમને વિમાનમાં ચઢવા ન દેવાયા

નવીદિલ્હી, તા.12: પાકિસ્તાનથી ભારત આવવા માટે તૈયાર બેઠેલા 104 શીખ શ્રદ્ધાળુને એરપોર્ટ ઉપર જ અટકાવી દેવામાં આવ્યા ત્યારે તેમને મોટો આંચકો લાગ્યો હતો. શ્રી હેમકુંડ સાહેબના દર્શન માટે આ શ્રદ્ધાળુઓને ભારત દ્વારા તો વિઝા પણ જારી કરી દેવામાં આવ્યા હતા. જો કે ફૈસલાબાદ એરપોર્ટ ઉપરથી તેમને સારજાહનાં વિમાનમાં ચઢતા અટકાવી દેવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વિમાન વ્યવહાર બંધ છે. ઓપરેશન સિંદૂર બાદ અટારી-વાઘાનો ભૂમિગત રસ્તો પણ બંધ છે. આ સ્થિતિમાં બન્ને દેશોનાં યાત્રીઓએ ત્રાહિત દેશ થઈને જ એકબીજા દેશમાં જવું-પહોંચવું પડે છે.

પાકિસ્તાનનાં ઇમિગ્રેશન અધિકારીઓએ એરપોર્ટ ઉપર પોતાનાં દેશનાં શીખ શ્રદ્ધાળુઓ પાસે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(એનઓસી)ની માગણી કરી હતી. શ્રદ્ધાળુઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેઓ કોઈ સરકારી કર્મચારી ન હોવાથી વિઝા અને પાસપોર્ટ સીવાયના અન્ય કોઈ દસ્તાવેજની તેમને આવશ્યકતા નથી. આમ છતાં આ દલીલને સ્વીકારવામાં આવી ન હતી અને તેમને ફ્લાઇટમાં ચડવા દેવાયા ન હતા.

ઇ-પેપરના નવા શુલ્ક