• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

આજે US ઓપન ફાઇનલ : ઝ્વેરેવ-શેલ્ટનની ટક્કર

ઝ્વેરેવે પાસે બીજી મેજર ટ્રોફી જીતવાની શાનદાર તક, શેલ્ટન પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં

નવી દિલ્હી, તા.12 : યુએસ ઓપન ટેનિસની મેન્સ સિંગલ્સ ફાઇનલ જર્મનીના વર્લ્ડ નંબર-1 ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવ અને અમેરિકાના બેન શેલ્ટન વચ્ચે રવિવારે ન્યૂયોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારે રમાયેલી સેમિફાઇનલ મેચોમાં ઝ્વેરેવે રશિયાના કારેન ખાચાનોવને 6-3, 7-6, 7-6થી હરાવ્યો હતો, જ્યારે શેલ્ટને ફ્રાન્સિસ ટિયાફોને 4-6, 6-3, 6-3, 7-5થી માત આપી હતી.

 ઝ્વેરેવે આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં પોતાનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો અને ત્યારબાદ તે વિમ્બલ્ડનની ફાઇનલમાં પણ પહોંચ્યો હતો, જ્યાં તેને યાનિક સિનર સામે હારનો સામનો કરવો પડયો હતો. હવે તેની પાસે આ વર્ષે બીજી મેજર ટ્રોફી જીતવાની શાનદાર તક છે. ઝ્વેરેવના કરિયરની આ છઠ્ઠી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ હશે.

બીજી તરફ બેન શેલ્ટન પોતાના કરિયરમાં પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે. યુએસ ઓપન 2026માં શેલ્ટનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે, જેમાં તેણે ક્વાર્ટર ફાઇનલ મેચમાં દિગ્ગજ ખેલાડી કાર્લોસ અલ્કારાઝને પણ હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. સેમિફાઇનલ મુકાબલામાં શેલ્ટને ટિયાફોને ચાર સેટ સુધી ચાલેલી મેચમાં 3-1થી હરાવ્યો હતો. મેચના પ્રથમ સેટમાં તેને 6-4થી હારનો સામનો કરવો પડયો હતો પરંતુ ત્યારબાદ તેણે જબરદસ્ત વાપસી કરી હતી અને બાકીના ત્રણ સેટ 6-3, 6-3 અને 7-5થી જીતી લીધા હતા. જોકે, હવે ફાઇનલ મુકાબલો શેલ્ટન માટે સરળ નહીં રહે. તેનું કારણ એ છે કે ઝ્વેરેવ સામે તેણે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમી છે અને આ પાંચેય મેચમાં તેને હારનો સામનો કરવો પડયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક