અવારનવાર ફોન પર પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ અપાતો હોવાનો પરિવારનો ગંભીર આક્ષેપ
વેરાવળ, તા.8 : વેરાવળ શહેરના
80 ફૂટ રોડ વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને અસહ્ય ત્રાસથી કંટાળીને 33 વર્ષીય
યુવકે પોતાનાં ઘરે રસોડામાં ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાને પગલે
મૃતકના પરિવારજનો ઉપર આભ તૂટી પડયું છે અને શોકનું મોજું ફરી વળ્યું છે. વ્યાજખોરો
દ્વારા યુવકનું વાહન બળજબરીથી પડાવી લેવા ઉપરાંત ફોન પર અવારનવાર ધમકીઓ આપીને આબરુ
કાઢી નાખવાના ભયો ઊભા કરવામાં આવતા આત્યંતિક પગલું ભર્યું હોવાનું ખૂલ્યું છે, ત્યારે
મૃતકના પિતા દ્વારા જિલ્લા પોલીસવડાને લેખિત અરજી આપીને કસૂરવારો સામે સખત ગુનો નોંધી
કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.
આ પ્રકરણની વિગતો અનુસાર, સુદામા
કોમ્પ્લેક્સ નજીક રહેતા ભગવાન હમીરભાઈ સોલંકીના પુત્ર હિમાંશુ સોલંકીએ આર્થિક ભીંસ
અને કરજમાં ફસાઈ જઈને કરણ પટેલ અને વિજય વઢાવી ઉર્ફે લાલો નામના બે વેરાવળના શખ્સો
પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા.
ગત 19 જૂન 2026ના રોજ બપોરે ભત્રીજા
અશોક દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે હિમાંશુએ શાંતિપુરા સ્થિત વાડીએ કે ઘરના
રસોડામાં ‘રોગર’ નામની ઝેરી દવા પી લીધી છે, જેથી તેને તાત્કાલિક વેરાવળ સરકારી હોસ્પિટલ
અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોડી
રાત્રે તેનું દુ:ખદ અવસાન થયું હતું. પુત્રનાં મૃત્યુ બાદ પરિવારજનોને જાણ થઈ હતી કે
ઉપરોક્ત બન્ને વ્યાજખોર દ્વારા હિમાંશુનું હોન્ડા એક્ટિવા વાહન પણ પડાવી લેવામાં આવ્યું
હતું અને અવારનવાર ફોન પર પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ અપાતો હતો.