સુરક્ષાના કોઈપણ સાધન વગર ગટરમાં ઉતર્યો હતો શ્રમિક, અમદાવાદના ઉસ્માનપુરાની ઘટના
અમદાવાદ, તા. 14: રાજ્યમાં ગટરની સફાઈ દરમિયાન શ્રમિકોના મૃત્યુની
ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં, અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં વધુ એક
કરુણ બનાવ બન્યો છે, જ્યાં ગટરની સફાઈ કરવા ઉતરેલા એક શ્રમિકનું ગુંગળામણને કારણે મૃત્યુ
નિપજ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર મેન્યુઅલ સ્કેવેન્જિંગ (હાથેથી સફાઈ) અને શ્રમિકોની
સુરક્ષાના પ્રશ્નોને ગંભીરતાથી સામે લાવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ શ્રમિક
સુરક્ષાના કોઈ પણ સાધનો વિના જ ગટરની સફાઈ કરવા માટે અંદર ઉતર્યો હતો. ગટરની અંદર ઝેરી
વાયુઓનું પ્રમાણ વધુ હોવાને કારણે શ્રમિક ગુંગળામણનો ભોગ બન્યો હતો અને ગટરમાં જ તેનું
મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી
આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ શ્રમિકના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢ્યો
હતો.
આ સમગ્ર બનાવને પગલે સ્થાનિક
પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ
ધરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે, શ્રમિક કોના આદેશથી અને કયા સુરક્ષાના
ધારાધોરણો હેઠળ સફાઈ માટે ઉતર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આવી ઘટના બનવાની
આ પહેલીવાર નથી. અગાઉ પણ આવી જ એક ગમખ્વાર ઘટના બની હતી. થોડા સમય પૂર્વે, વસ્ત્રાપુર
વિસ્તારમાં સુભાષ પાર્ક નજીક ગટરની સફાઈ માટે ઉતરેલા એક અન્ય શ્રમિકનું પણ ઝેરી વાયુઓને
કારણે ગુંગળામણથી મૃત્યુ થયું હતું.