એનાલોગ પનીર, ચીઝ અને બટર બાદ
હવે આઇસક્રીમની તપાસ થશે; પામોલિન તેલ અને વેજિટેબલ ફેટ્સના ઉપયોગની આશંકા
અમદાવાદ,તા.8 : ગુજરાતમાં ખાદ્ય
પદાર્થોમાં થતી ભેળસેળ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. એનાલોગ પનીર, ચીઝ અને માખણના
ઉત્પાદન તથા વેચાણ સામે હાથ ધરાયેલી કાર્યવાહી બાદ હવે રિયલ મિલ્ક આઇસક્રીમના નામે
વેચાતા ફ્રોઝન ડેઝર્ટ્સ સામે પણ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં
આવી છે. પામોલિન તેલ સહિતના વેજિટેબલ ફેટ્સનો ઉપયોગ કરીને બનાવાતા ફ્રોઝન ડેઝર્ટ્સને
અસલી દૂધની આઇસક્રીમ તરીકે વેચવામાં આવતા હોવાની ફરિયાદોને પગલે તંત્ર સક્રિય બન્યું
છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ
ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ આઇસક્રીમમાં દૂધની ચરબીનું પ્રમાણ ઓછામાં ઓછું 10
ટકા અને મિલ્ક પ્રોટીનનું પ્રમાણ 3.5 ટકા હોવું જરૂરી છે. આ નિર્ધારિત ધોરણો પૂર્ણ
કરતી પ્રોડક્ટને જ આઇસક્રીમ તરીકે વેચી શકાય છે. બીજી તરફ, વનસ્પતિ તેલ અને અન્ય ફેટ્સનો
ઉપયોગ કરીને તૈયાર થતી પ્રોડક્ટ ફ્રોઝન ડેઝર્ટ તરીકે ઓળખાય છે. જોકે, કેટલીક જગ્યાએ
આવી પ્રોડક્ટને રિયલ મિલ્ક આઇસક્રીમ તરીકે રજૂ કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં
આવતા હોવાની આશંકા છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા
અગાઉ હાથ ધરાયેલા સર્વે અને તપાસમાં હોટેલ્સ, રેસ્ટોરાં, કેટરર્સ તથા લારી-ગલ્લાઓમાં
વપરાતા પનીર, ચીઝ અને બટરની ગુણવત્તા અંગે ગંભીર બાબતો સામે આવી હતી. અનેક સ્થળોએ દૂધના
બદલે વનસ્પતિ ચરબી, શંકાસ્પદ તેલ અને અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ થતો હોવાનું તપાસમાં
બહાર આવ્યું હતું. ત્યારબાદ વિવિધ શહેરોમાં દરોડા પાડીને ભેળસેળયુક્ત ઉત્પાદનોના જથ્થા
ઝડપવામાં આવ્યા હતા.