• સોમવાર, 09 નવેમ્બર, 2026

મીઠાઈથી મોઢું મીઠું થાય, મુખવાસથી તહેવારનો સ્વાદ વધે!

ખાંડ, ધાણાદાળ, તલ, વરિયાળી અને  અળશી જેવા કાચા માલમાં ઉછાળો આવતાં મુખવાસના ભાવમાં  20થી 30 ટકાનો ભાવવધારો

 

જલેબી જેલી, મોકટેલ અને જાંબુ વટી બન્યા હોટ ફેવરિટ ! : પરંપરાગત જામનગરી, પાન ફલેવર અને હેલ્ધી સીડ્સ મુખવાસની માગ અકબંધ

રવિ સરવૈયા

મીઠાઈથી મોઢું મીઠું થાય, પણ મુખવાસથી તહેવારનો સ્વાદ અનેકગણો વધી જાય છે. સૌરાષ્ટ્રમાં બેસતા વર્ષના દિવસે સ્નેહીજનો અને મહેમાનોનું મોઢું મીઠું કરાવવાની પરંપરાની સાથે મુખવાસ પીરસવાની વર્ષો જૂની રીત આજે પણ એટલી જ લોકપ્રિય છે. બદલાતા સમય સાથે મુખવાસના સ્વાદ અને વેરાયટીઓમાં ભલે નવા પ્રયોગો થયા હોય પરંતુ જામનગરી, પાન ફ્લેવર અને પરંપરાગત મુખવાસનું આકર્ષણ આજે પણ યથાવત્ છે. આ વર્ષે મોંઘવારીના કારણે મુખવાસના ભાવમાં 20થી30 ટકાનો વધારો થયો હોવા છતાં તહેવારના રંગમાં ઓટ આવી નથી. એક તરફ જલેબી જેલી, મોકટેલ અને જાંબુ વટી જેવી અવનવી વેરાયટીઓ ગ્રાહકોને આકર્ષી રહી છે, તો બીજી તરફ હેલ્ધી સીડ્સ અને નેચરલ મુખવાસની માગ પણ વધી રહી છે. આમ, મીઠા મોઢાની પરંપરામાં મુખવાસ આજે પણ સૌરાષ્ટ્રવાસીઓના તહેવારની મીઠાશ વધારી રહ્યો છે.

આ વર્ષે મુખવાસ બજારમાં સ્વાદના શોખીનો માટે અનેક અવનવી વેરાયટીઓ રજૂ કરવામાં આવી છે, જેને ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટના ધર્મેન્દ્ર રોડ ખાતે આવેલા જાણીતા ‘જયસન્સ એનેક્સ’ના શુભમભાઈ શેઠના જણાવ્યા અનુસાર, આ વર્ષે ખાસ કરીને ત્રણ નવી આઇટમોએ ગ્રાહકોમાં મોટું આકર્ષણ જમાવ્યું છે: જેમાં સ્વાદિષ્ટ ‘જલેબી જેલી’, રીફ્રેશિંગ ‘મોકટેલ મુખવાસ’ અને નેચરલ ડ્રાય કરેલા દેશી જાંબુમાંથી બનતી આરોગ્યપ્રદ ‘જાંબુ વટી’નો સમાવેશ થાય છે.

ત્રણ પેઢીથી મુખવાસના વ્યવસાય સાથે જોડાયેલા કલ્પેશભાઈ નંદા જણાવે છે કે. પરંપરાગત પસંદગીમાં આજે પણ સૌથી વધુ ઉપાડ વિવિધ જાતનાં ‘પાન મુખવાસ’નો રહે છે, જેમાં કલકત્તા પાન, ચોકલેટ પાન અને પાન જેલી ખૂબ વેચાય છે. આ ઉપરાંત હિંગ અને મરીના વઘારવાળો જામનગરી મુખવાસ, કેરીની ગોટલી, મીઠા આમળાં તેમજ હોટલોમાં પીરસાતી વરિયાળી-ધાણાવાળી ‘ટેમ્પ્ટેશન’ આઇટમ પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે.

મુખવાસ બનાવવા માટે વપરાતી મુખ્ય સામગ્રીઓ જેવી કે ખાંડ, ધાણાદાળ, તલ, વરિયાળી અને અળસીના ભાવોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ખાંડના ભાવ વધવાથી સ્વીટ એટલે કે મીઠા મુખવાસમાં અંદાજે રૂ.20નો વધારો થયો છે. જ્યારે અન્ય કાચી સામગ્રી મોંઘી થતાં સામાન્ય મુખવાસમાં 20ટકા થી 30 ટકા સુધીનો ભાવવધારો વેપારીઓએ કરવો પડયો છે. હાલ બજારમાં મુખવાસ રૂ.40થી લઈને રૂ.80 પ્રતિ 100 ગ્રામના ભાવે વેચાઈ રહ્યા છે, એટલે કે કિલો દીઠ આશરે રૂ. 400થી રૂ. 800 સુધીના ભાવે ઉપલબ્ધ છે.

સ્વાદ સાથે સેહતનો સંગમ

આરોગ્ય પ્રત્યે સભાન ગ્રાહકો માટે અળસી, સૂર્યમુખી, તલ અને પમ્પકિન સીડ્સવાળા હેલ્ધી રોસ્ટેડ મુખવાસ તેમજ મધવાળા આમળાં અને પાચક ખારા આમળાંનું વેચાણ ગત વર્ષ કરતાં ઘણું વધ્યું છે. વેપારીઓ પણ કૃત્રિમ ફૂડ કલરથી દૂર રહી નેચરલ મુખવાસ પસંદ કરવા ગ્રાહકોને સલાહ આપી રહ્યા છે.

કરંટ ટ્રેન્ડ......

જલેબી જેલી: પરંપરાગત જેલી મુખવાસને ટ્વિસ્ટ આપીને જલેબીના મીઠા અને અનન્ય સ્વાદ સાથે તૈયાર કરવામાં આવેલી આ વેરાયટી બાળકો અને યુવાનોમાં ખૂબ પ્રિય બની છે.

મોકટેલ મુખવાસ: વિવિધ ફળો અને રીફ્રેશિંગ ફ્લેવર્સના સંયોજનથી બનતો આ મુખવાસ મોઢામાં તાજગી આપતો હોવાથી ગ્રાહકો તેને ઉત્સાહભેર ખરીદી રહ્યા છે.

જાંબુ વટી: સ્વાસ્થ્ય અને સ્વાદનો અદભુત સમન્વય ધરાવતી આ આઇટમ કુદરતી રીતે ડ્રાય કરેલા દેશી જાંબુમાંથી તૈયાર કરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ તેમજ હેલ્થ પ્રત્યે સભાન લોકોમાં જાંબુ વટી હોટ ફેવરિટ બની ગઈ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક