• રવિવાર, 08 નવેમ્બર, 2026

પોરબંદરના બખરલા ગામે આધુનિક ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થાપિત થયું

ક્ષ          પાંચ કિલોમીટરના વિસ્તારના ખેડૂતોને સાત દિવસની હવામાન આગાહી અને ખેતીલક્ષી માર્ગદર્શન મોબાઈલમાં વિનામૂલ્યે મળશે

પોરબંદર, તા.7 : હવામાનના અચાનક પલટા, કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોને થતા નુકસાનથી બચાવવા પોરબંદર જિલ્લાના બખરલા ગામે ટાટા સી.એસ.પી.સી.ના વરુણ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પહેલથી બખરલા સહિત આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારના ખેડૂતોને સ્થાનિક હવામાનની સચોટ માહિતી અને ખેતીલક્ષી માર્ગદર્શન વિનામૂલ્યે મળી શકશે. આ હવામાન કેન્દ્ર આઈ.ઓ.ટી. ટેકનોલોજી આધારિત છે, જે સ્થાનિક વાતાવરણનું સતત નિરીક્ષણ કરશે. તેના આધારે ખેડૂતોને આગામી સાત દિવસની હવામાન આગાહી, વરસાદની સંભાવના, પવનની ગતિ અને તાપમાનની માહિતી સીધી મોબાઈલ પર એસએમએસ તથા વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે. ખાસ કરીને પાક તૈયાર હોય ત્યારે અચાનક વરસાદની સ્થિતિમાં ખેડૂતોને સમયસર ચેતવણી મળવાથી કાપણી, ઉપજનો સંગ્રહ અને કૃષિ મશીનરીની વ્યવસ્થા અંગે યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે. ઉપરાંત ભેજ અને હવામાનના આધારે પાકમાં ફૂગજન્ય રોગો તથા જીવાતની શક્યતા અંગે પણ માર્ગદર્શન મળશે. જમીનમાં ભેજ અને વરસાદની સંભાવના જાણી સિંચાઈનું આયોજન કરી શકાશે. પરિણામે પાણી, ખાતર અને દવાઓનો બિનજરૂરી વપરાશ ઘટાડી ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાશે. ઉનાળામાં ગરમીના મોજા અને શિયાળામાં અતિશય ઠંડી અંગે પણ આગોતરી ચેતવણી મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક