અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.8 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2083ના
પ્રારંભ દિવસે તારીખ 10 નવેમ્બર, મંગળવારે
નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે. મુખ્યમંત્રી
મંગળવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ
કરશે. તેઓ 07:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે. ત્યારબાદ તેઓ
મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે 8:00 કલાકે નાગરિકો-પ્રજાજનો
સાથે નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી ત્યાર બાદ 8.50 કલાકે
રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે. ભૂપેન્દ્ર
પટેલ સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને
નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે પહેલાં સવારે
10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાનાં મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.
નૂતન વર્ષ દિવસે બપોરે 11:45
કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને
નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં
પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે.