• સોમવાર, 09 નવેમ્બર, 2026

લિંકન ટેસ્ટ : ભારત-અ ટીમે 464 રને દાવ ડિકલેર કર્યો પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ ખેરવતા ન્યૂઝીલેન્ડ-અ મુશ્કેલીમાં

 લિંકન, તા.8: ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય બેટ્સમેનો અને બોલર્સે મેચ પર પકડ મજબૂત બનાવી લીધી છે. ભારત-એ ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ 5 વિકેટે 464 રનના વિશાળ સ્કોર પર ડિકલેર કરી હતી. જવાબમાં દિવસના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડ-એ ટીમે 14 ઓવરમાં 36 રન બનાવતાં બે મહત્ત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી છે. હજુ 428 રન પાછળ છે.

 ભારતીય ઇનિંગ્સમાં ટોપ અને મિડલ ઓર્ડરે મજબૂત બાટિંગનું પ્રદર્શન કર્યું હતું. ઓપનર યશસ્વી જયસ્વાલે 102 રન ફટકાર્યા હતા. સાઈ સુદર્શને 88 રન બનાવી જયસ્વાલ સાથે પ્રથમ વિકેટ માટે 175 રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન ધ્રુવ જુરેલે 71 રન જોડ્યા હતા, જ્યારે દેવદત્ત પડિક્કલ 15 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ તિલક વર્મા (અણનમ 81) અને વાશિંગ્ટન સુંદર (અણનમ 50) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 114 રનની અતૂટ ભાગીદારી થઈ હતી, જેમાં તેમણે આખરી 10 ઓવરમાં 56 રન ઉમેર્યા હતા.

જવાબમાં બાટિંગ કરવા ઉતરેલી કીવી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ઘાતક સ્પેલ નાખતાં ચોથી ઓવરમાં રીસ મારિયૂને ખાતું ખોલાવ્યા વિના બોલ્ડ કર્યો અને ત્યારબાદ કર્ટિસ હીફી (19 રન)ને એલબીડબલ્યુ આઉટ કરી દબાણ સર્જ્યું. પ્રસિદ્ધે 5 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે 6 ઓવરમાં એક મેઇડન સાથે માત્ર 11 રન આપ્યા હતા. બીજા દિવસના અંતે ડીન ફોક્સક્રોફ્ટ 10 અને જેક ગિબ્સન 1 રન બનાવી ક્રિઝ પર ટકી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક