• સોમવાર, 09 નવેમ્બર, 2026

પાકિસ્તાન સામે સહેવાગ - દ્રવિડના પુત્રો ન ચાલ્યા, ભારત 208 રનમાં ઓલઆઉટ

અંડર-19 એશિયા કપમાં અર્જુન રાજપૂતે સદી ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી

નવી દિલ્હી, તા.8 : એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા હાઈ-વોલ્ટેજ ગ્રુપ-એ મુકાબલામાં ભારતીય અંડર-19 ટીમ 46.3 ઓવરમાં 208 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. પાકિસ્તાની બોલર્સ સામે ભારતીય ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો હતો પરંતુ મીડલ ઓર્ડરમાં અર્જુન રાજપૂતે શાનદાર વળતી લડત આપતાં સદી ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

અલ અમરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી આ મેચમાં પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાની માત્ર બે બોલ રમી ખાતું ખોલાવ્યા વિના જ અલી રઝાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ આર્યવીર સેહવાગ (22 રન) અને વી.કે. વિનીથ (8 રન) સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. યશવર્ધન ચૌહાણ 1 રન અને વિકેટકીપર અન્વય દ્રવિડ 10 રન બનાવી આઉટ થતાં ભારતે નિયમિત અંતરે મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી હતી.

આ કપરી પરિસ્થિતિમાં અર્જુન રાજપૂતે એક છેડો સાચવી પાકિસ્તાની બોલર્સ સામે વળતો પ્રહાર કર્યો હતો. અર્જુને 85 બોલમાં 11 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાની મદદથી 125.88ના આક્રમક સ્ટ્રાઇક રેટ સાથે 107 રનની ઇનિંગ્સ રમી હતી. તેને લોઅર ઓર્ડરમાં કાવ્ય પટેલે 45 બોલમાં 23 રન બનાવી સારો ટેકો આપ્યો હતો. મનલ ચૌહાણે 11 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી રિઝવાનુલ્લાહે અર્જુન રાજપૂત સહિત ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક