• સોમવાર, 09 નવેમ્બર, 2026

દિવાળી નિમિત્તે કેદારનાથ મંદિર 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારાયું

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત નેતાઓની દેશને શુભેચ્છા

નવી દિલ્હી, તા. 8 :  દેશભરમાં પર્વોના રાજા દિવાળીની ઉજવણી ચાલી રહી છે. આ અવસરે કેદારનાથ મંદિરને 20 ક્વિન્ટલ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે, તો દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવશે અને સમગ્ર મંદિર પરિસરમાં દીવા પ્રગટાવવામાં આવશે.

બીજી તરફ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

એક મીડિયા હેવાલ મુજબ, કેદારનાથ મંદિરને 20 ક્વિન્ટલ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આજે મંદિરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવશે અને સમગ્ર મંદિર પરિસરમાં દીવા પ્રગટાવવામાં આવશે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બસ્તરમાં સૈનિકો સાથે દિવાળી ઊજવશે. રાહુલ ગાંધીએ શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે, આ શુભ તહેવાર સમગ્ર ભારતમાં ખુશી, શાંતિ, સૌહાર્દ અને નવી આશાનો પ્રકાશ લઈને આવે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ખેડૂતો સાથે દિવાળી ઊજવવા માટે નાગપુર જિલ્લાના લોહારી સાવંગા ગામ પહોંચ્યા હતા.

દરમિયાન, અયોધ્યામાં તહેવારની પૂર્વસંધ્યાએ દીપોત્સવ ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સરયુ નદીના કિનારે 30 લાખ માટીના દીવા પ્રગટાવાયા હતા અને સાથે જ આતશબાજીનું પ્રદર્શન પણ યોજાયું હતું. દેશભરમાંથી લગભગ 5 લાખ લોકો આ દીપોત્સવના સાક્ષી બનવા અયોધ્યા પહોંચ્યા હતા.

વહેલી સવારથી જ ભક્તોએ દેવી લક્ષ્મીને સમર્પિત મંદિરોમાં જઈને પ્રાર્થના અને પૂજા-અર્ચના કરી હતી અને મુખ્ય નદીઓમાં પવિત્ર સ્નાન કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક