• બુધવાર, 22 જુલાઈ, 2026

ખરીફ વાવણીમાં 13 ટકા ખાધ : અનેક તાલુકામાં વાવેતર બાકી

તલ, મગફળી, કપાસનાં વાવેતરને ફટકો : સોયાબીન અને મકાઇની વાવણી વધી, તુવેરમાં પણ ખેડૂતોને રસ

રાજકોટ, તા.21 (ફૂલછાબ ન્યૂઝ) : ગુજરાતમાં વરસાદની ગંભીર પરિસ્થિતિ છતાં વાવેતર જોરશોરથી આગળ ધપી રહ્યું છે. વરસાદ નથી પડયો ત્યાં હજુ ખેડૂતોમાં વાવેતર કરવાની ચિંતા છે. બીજી તરફ એક વરસાદ પછી જ્યાં બીજો રાઉન્ડ નથી આવ્યો ત્યાં પાક બચાવવાની જહેમત ચાલી રહી છે. ખેતીની અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં વાવેતર વિસ્તારની ખાધ ઓછી થતી જાય છે. જોકે ચાલુ વર્ષે વાવેતરના આંકડાઓ દેખાય છે તેટલું ઉત્પાદન આવશે કે કેમ તે અંગે શંકા છે. વરસાદની વહેંચણી અનિશ્ચિત છે એટલે ઉત્પાદન વિષે કોઈ અનુમાનો લગાવી શકાય તેવું રહ્યું નથી.

ગુજરાતના કૃષિ વિભાગે 50.83 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયાનું નોંધ્યું છે. જે ગયા વર્ષના 58.38 લાખ હેક્ટર કરતા 13 ટકા પાછળ છે. રાજ્યમાં સરેરાશ 85 લાખ હેક્ટરમાં વાવણી થાય છે તેના હજુ 60 ટકા વાવેતર થઈ શક્યું છે. પાછલાં સપ્તાહમાં મગફલી અને કપાસના વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. કપાસમાં અપૂરતાં ભાવ, બિયારણ બળી જવાની ઘટના પછી હવે ઓછાં વરસાદ અને રોગચાળાના ભયથી વાવેતરને ફટકો પડયો છે. ગયા વર્ષમાં 19.62 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું તેની સામે આ વર્ષમાં 18.75 લાખ હેક્ટરમાં વાવણી થઈ શકી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 12.80 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. મધ્ય ગુજરાતમાં 2.26 લાખ અને ઉત્તર ગુજરાતમાં 1.62 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્યમાં સૌથી વધારે વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં 3.33 લાખ હેક્ટર બતાવવામાં આવ્યું છે.

મગફળીનું વાવેતર 16.48 લાખ હેક્ટરમાં થઈ ગયું છે. જે ગયા વર્ષના 19.42 લાખ હેક્ટર કરતા ઓછું છે. ચાલુ વર્ષમાં મગફળીનું વાવેતર ખાસ્સું વધી જાય તેવા સંજોગો હતા. જોકે વરસાદની તંગી આ વર્ષે 22 લાખ હેક્ટર કરતા ઉપરનો આંકડો જવા દેશે કે કેમ તે અંગે શંકા છે. ગયાં વર્ષ કરતા વાવેતર વિસ્તાર 16 ટકા ઓછો ચાલી રહ્યો છે. સરેરાશ વાવેતર 19 લાખ હેક્ટર થતું હોય છે તેના કરતા 86 ટકા વાવેતર થઈ ગયું છે. 

ઉત્તર ગુજરાતમાં 3.33 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જોકે તેમાંથી વધારે વિસ્તાર બનાસકાંઠાનો છે. જ્યાં હવે વરસાદની તંગી છે. સૌરાષ્ટ્રમાં 12.67 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. સૌથી વધારે વાવણી રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દેખાય છે.

અનાજમાં 5.34 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં પાછલાં વર્ષની તુલનાએ 38 ટકા જેટલો જ વિસ્તાર રોકાયો છે. જોકે મકાઈનું વાવેતર 2.19 લાખ હેક્ટરના ગયા વર્ષના સ્તરે સ્થિર છે.

તેલીબિયાંમાં તલનું વાવેતર 25,980 હેક્ટર સામે ફક્ત 6300 હેક્ટર રહ્યું છે જ્યારે એરંડાનો વિસ્તાર 55,179 હેક્ટર સામે 22,883 હેક્ટર રહ્યો છે. એરંડાના વાવેતરની હવે શરૂઆત થઈ છે. છેક સપ્ટેમ્બર સુધી એરંડા વવાશે. સોયાબીનનું વાવેતર પણ આગળ છે. ગયા વર્ષના 2.24 લાખ હેક્ટર સામે 2.48 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક