બે ગોડાઉનમાં 65 હજારથી વધુ બોક્સમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા, બે ઝડપાયા : ફટાકડા વેચાણનું લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હતું, ફાયર એનઓસી પણ મેળવી ન હતી
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,
તા.21: અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ચાંગોદર નજીક મોડાસરથી અમાથાપુર ગામ તરફ જતા રસ્તા
પર વગર લાયસન્સે ધમધમતા ફટાકડાના ગોડાઉનમાંથી 39.58 કરોડનો ફટાકડાનો ગેરકાયદે જથ્થો
મળી આવ્યો છે. વસ્ત્રાલ ખાતે ગેરકાયદે ફટાકડાની
ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા બાદ પોલીસ તથા તંત્ર દ્વારા અમદાવાદ
આસપાસ આવી ફેકટરી ઉપર કડક ધોંસ બોલાવવામાં આવી છે.
ચાંગોદર પોલીસ તથા ડીએસપી કચેરીના
સ્ટાફે ચોક્કસ બાતમીને આધારે અમથાપુર ગામ ખાતે
અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા બે વિશાળ ગોડાઉનમાં કરોડોનો
ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું જણાયું હતું. આ ગોડાઉન અંબિકા ટ્રેડાલિંકનું
હોવાનું જણાયું હતું અને તેનું લાઈસન્સ 31 માર્ચ 2026ના એક્સપાયર થઈ ગયું હતું. જ્યારે
ફાયર એનઓસી પણ મેળવવામાં આવી ન હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગોડાઉનોમાંથી
કુલ 65,954 કાર્ટન ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે
39,57,90,000 રૂપિયા થાય છે. પોલીસ દ્વારા આ ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં
આવ્યો હતો.
નિયમોના ગંભીર ભંગ બદલ પોલીસે
ગોડાઉનના મેનેજર કિશન પટેલ તેમજ લાયસન્સ ધરાવનાર અમિત મોદી સામે બીએનએસ તથા વિસ્ફોટક
અધિનિયમની કલમો હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. બંને આરોપીઓની પોલીસે તાત્કાલિક
ધરપકડ કરી લીધી છે અને આ પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તથા આ જથ્થો ક્યાંથી
લાવવામાં આવ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.