• બુધવાર, 22 જુલાઈ, 2026

હોર્મુઝ પછી બંધ થશે વધુ એક સમુદ્રી માર્ગ ? ઈંધણ ભડકે બળશે

હુથીએ સાઉદીને નિશાન બનાવીને બાબ-અલ-મંદેબને અવરોધવાની આપી ધમકી

નવી દિલ્હી, તા.21 અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ જળમાર્ગ ફરીથી બંધ થવાના કારણે દુનિયા પહેલેથી મોટા ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. દરમિયાન ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓના સંગઠન અંસાર અલ્લાહે સાઉદી અરેબિયાને નિશાન બનાવતા વધુ એક નાકાબંધીની જાહેરાત કરી છે. જેનાં હિસાબે ફરીથી પેટ્રોલ અને ગેસનાં ભાવ સળગવાની ભીતિ પેદા થઈ ગઈ છે.

હુથી વિદ્રોહીઓએ અરબી ક્ષેત્રની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. હુથીઓનું કહેવું છે કે તાજેતરમાં સના એરપોર્ટ પર સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ હુમલો કરવામાં આવ્યો હતો અને તેના વિરોધમાં પગલું લેવામાં આવ્યું છે.

લાલ સમુદ્રનો બાબ-અલ-મંદેબ જળમાર્ગ હોર્મુઝ પછી ઈંધણ પુરવઠા માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગ છે. જો માર્ગ પણ અવરોધિત થાય છે તો સમગ્ર દુનિયામાં ભારે માઠી અસર જોવા મળી શકે છે. નાકાબંધીની જાહેરાત પહેલાં હુથીઓએ સાઉદી અરેબિયાના એક એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હતો. હુથીઓએ ધમકી આપતા કહ્યું હતું કે, આંખના બદલામાં આંખની નીતિ મુજબ જવાબ આપવામાં આવ્યો છે.

ઈરાન સાથેના તણાવને કારણે સાઉદી અરેબિયા પોતાના મોટાભાગના ઈંધણની નિકાસ લાલ સમુદ્ર મારફતે કરવા લાગ્યું છે. સાઉદી અરેબિયાની કંપની અરામકો તેના લગભગ 70 ટકા તેલની નિકાસ 746 માઈલ લાંબી ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન મારફતે કરે છે. પાઇપલાઇનની મદદથી સાઉદી અરેબિયાના તેલને ખાડી વિસ્તારમાંથી પસાર થયા વિના આંતરરાષ્ટ્રીય બજારો માટે ટેન્કરોમાં ભરવાની સુવિધા મળે છે. પાઇપલાઇન દ્વારા તેલને લાલ સમુદ્ર સુધી પહોંચાડવામાં આવે છે. કારણસર લાલ સમુદ્રનો માર્ગ સાઉદી અરેબિયા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

હુથીઓએ હજુ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ નાકાબંધી કેવી રીતે લાગુ કરશે. જોકે, લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજો માટે ચિંતા વધી ગઈ છે. હુથી વિદ્રોહીઓ અગાઉ પણ જહાજો પર હુમલા કરતા આવ્યા છે. બાબ-અલ-મંદેબનો દક્ષિણ પ્રવેશ માર્ગ ખૂબ સાંકડો છે અને જો અહીં નાકાબંધી કરવામાં આવે તો જહાજોની અવરજવર મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે.

ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન અનેક વખત બાબ-અલ-મંદેબ જળમાર્ગ બંધ કરવાની ધમકી આપી છે. હુથી મીડિયા કાર્યાલયના ઉપપ્રમુખ નસરુદ્દીન આમેરે કહ્યું હતું કે, સાઉદી અરેબિયાનાદુશ્મન જહાજો માટે બાબ-અલ-મંદેબ જળમાર્ગ બંધ કરવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક