નવી દિલ્હી, તા. 21 ઃ ગઈ કાલે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ની સંસદ કૂચ દરમ્યાન થયેલાં ઘર્ષણ અને પોલીસના લાઠીચાર્જમાં અનેક પ્રદર્શનકારોને થયેલી ઈજા બાદ સરકારનું વલણ થોડું હળવું થવાના સંકેતમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા જે.પી. નડ્ડા આજે દિલ્હીની આર.એમ.એલ. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા અને ડોક્ટરોની ટીમ સાથે વાતચીત કરી હતી. બીજી તરફ પોલીસની ભારે તૈનાતી અને રાતભર વરસાદ છતાં જંતરમંતર પર દેખાવકારો અડીખમ છે અને આજે સવારે પણ પ્રદર્શન જારી રહ્યું હતું. સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ ઘર્ષણ દરમ્યાન કેટલીક મહિલાઓ પણ ઘાયલ થવા મુદે્ માફી માગી હતી. સીજેપીના દેખાવોનો મુદ્દો છવાયેલો છે, ત્યારે નડ્ડાએ ગઈકાલે કોકરોચ પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા સાથે મુલાકાત કર્યા બાદ આજે હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળ્યા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીએ દેખાવકારો અને ઘાયલોને કાયદાકીય સહિતની તમામ મદદ માટે હેલ્પલાઈનની જાહેરાત કરી હતી.