• રવિવાર, 05 જુલાઈ, 2026

ટાટ માધ્યમિક પરીક્ષાનું પરિણામ જાહેર, 75,980 ઉમેદવારો પાસ

પરીક્ષા માટે કુલ 2,10,580 ઉમેદવારો નોંધાયા હતા

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.4:  રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી -માધ્યમિક (ટીએટી-એસ)ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ તારીખ 04 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગેનું વિગતવાર જાહેરનામું બહાર પાડીને પરીક્ષાના પરિણામો અને તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 75,980 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે.

 આ પરીક્ષા આપનાર ઉમેદવારો હવે પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર તપાસી શકશે. ઉમેદવાર પોતાનો કન્ફર્મેશન નંબર અથવા સીટ નંબર અને જન્મ તારીખ નાંખીને પરીણામ મેળવી શકશે.

શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવો અને સુધારા અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તારીખ 03 મે, 2026ના રોજ આ પરીક્ષાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પારદર્શિતા જાળવી રાખવા માટે તમામ ઉમેદવારોની ઓએમઆર શીટ તારીખ 08 મે 2026ના રોજ પ્રસિદ્ધ કરી હતી.

ત્યારબાદ, પ્રોવિઝનલ આન્સર-કી 16 મેના રોજ જાહેર કરી ઉમેદવારો પાસેથી 18 મેથી 25 મે 2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. વિષય નિષ્ણાતોની વર્કશોપમાં આ રજૂઆતોની ચકાસણી કર્યા બાદ 25 જૂન 2026ના રોજ ફાઇનલ આન્સર-કી જાહેર કરાઈ હતી, અને તેના આધારે આજે આ આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

આ પરિણામમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને માધ્યમના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ પરીક્ષા માટે કુલ 2,10,580 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 1,85,030 ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા આપી હતી. ગુજરાતી માધ્યમમાં 2,05,475 નોંધાયેલા ઉમેદવારોમાંથી 1,81,520 ઉમેદવારો જ્યારે અંગ્રેજી માધ્યમમાં 5,105 નોંધાયેલા ઉમેદવારોમાંથી 3,510 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જે પૈકી ગુજરાતી માધ્યમના 74,118 ઉમેદવારો જ્યારે અંગ્રેજી માધ્યમના 1,862 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો હવે સંભવિત 3 ઓગસ્ટ 2026ના રોજ યોજાનારી ટીએટી-એ મુખ્ય પરીક્ષા આપી શકશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક