• શનિવાર, 04 જુલાઈ, 2026

માળિયામાં જૂની અદાવતનો ખાર રાખી મોટરસાઇકલને ટક્કર મારી યુવાન પર ફાયારિંગ

મોરબી, તા.3: માળિયા મિયાણાના જખરિયા વાંઢ વિસ્તારમાં રહેતા બે ભાઈઓ મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જૂના મનદુ:ખના કારણે સ્વિફ્ટ કારમાં આવેલા ચાર શખસે તેમની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી નીચે પાડી દીધા હતા. આ હુમલો આશરે બે મહિના પહેલા લગ્ન પ્રસંગમાં થયેલી બોલાચાલીની અદાવત રાખીને કરવામાં આવ્યો હતો, જે અંગે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કારમાંથી હથિયારો સાથે ઉતરેલા દિનમામદ જેડા, ગુલામ જેડા, જાવેદ જેડા અને જાકીર જેડા નામના શખસોએ બંને ભાઈઓ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ઈદ્રીશભાઈ અને ઈમરાનને ધોકા વડે માર મારવાનું શરૂ કરતા, ઈમરાન જીવ બચાવવા ખેતર તરફ ભાગ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ જાનથી મારી નાખવાના ઈરાદે બંદૂકમાંથી ધડાધડ ફાયારિંગ કર્યું હતું, જેમાં ઈમરાનને બન્ને પગમાં છરા વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો.   ગુનો આચર્યા બાદ તમામ આરોપીઓ કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટયા હતા. બીજી તરફ, બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી ઈમરાનની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. પોલીસે ઇદ્રીશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક