ગામમાં એક વ્યક્તિના અવસાનને પગલે આખો દિવસ સ્પીકર બંધ રાખવામાં આવ્યું
મોરબી,
તા.4 : વીજ પોલના વળતર મુદ્દે સરકારે જાહેરાત કરી હોવા છતાં મોરબી જિલ્લાના જેતપર ગામે
ચાલી રહેલા ખેડૂત આંદોલનના ઉપવાસીઓએ તેનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાની જાહેરાત કરીને
આંદોલન ચાલુ રાખ્યું છે. હાલ બહેનોએ ઉપવાસ પૂર્ણ કર્યો હોવા છતાં તેમનું સમર્થન યથાવત
છે, જ્યારે 9 ખેડૂતો હજુ પણ ઉપવાસ પર અડગ છે અને મોટી સંખ્યામાં લોકો ખેડૂતોના સમર્થનમાં
પહોંચી રહ્યા છે. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને રામવાડી ખાતે ફેરવવામાં આવેલી આંદોલન
છાવણી હવે ખાસ વોટરપ્રૂફ ડોમ તૈયાર થતાં ફરી મૂળ સ્થળે શરૂ કરવામાં આવી છે.
ઉપવાસનો
આજે 17મો દિવસ હોવાથી ઉપવાસીઓની તબિયત પર અસર ન થાય તે માટે સમિતિ દ્વારા ખાસ આરોગ્ય
તકેદારી રાખવામાં આવી રહી છે. આંદોલન દરમિયાન ગામમાં એક વ્યક્તિના અવસાનને પગલે શ્રદ્ધાંજલિરૂપે
આખો દિવસ સ્પીકર બંધ રાખી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
મહિલા
આગેવાન કીર્તિબેને જણાવ્યું હતું કે, ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી મહિલાઓ ખભેખભા
મિલાવી લડત ચાલુ રાખશે. ખેડૂતોના સમર્થનમાં આજે મોરબી માર્કાટિંગ યાર્ડ સંપૂર્ણ બંધ
રહ્યું હતું. યાર્ડના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, 765 કે.વી. વીજ લાઈનથી ખેડૂતોની જમીનની
કિંમતમાં મોટો ઘટાડો થતાં તેમને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, તેથી સરકાર યોગ્ય વળતર
આપે તે જરૂરી છે. દરમિયાન રૂ.2 કરોડના સોદા અંગેનો કથિત ઓડિયો વાયરલ થયા બાદ ખેડૂત
સમિતિએ નિલેશ એરવાડિયાને સમિતિમાંથી અલગ કરી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હોવાનું
જાહેર કર્યું છે.